હળવદના ઢવાણા ગામે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. જેમાં ઈસમોએ માઇનોર કેનાલમા રાખેલ પથ્થર કેમ પાડી દીધેલ તેમ કહી બે શખ્સોને મૂંઢ માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ અન્ય એક શખ્સને રસ્તામાં રોકી તેને પણ મૂઢ માર મારતા સમગ્ર મામલે હળવદ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, હળવદના ઢવાણા ગામે રહેતા અને ખેતી કામ કરતા ભુપતભાઇ ગજાભાઇ ઉર્ફે ડાયાભાઇ રાઠોડ નામના આધેડને તેમના પાડોસી કાલીકાકુમાર ઉર્ફે કનકસિંહ જેઠુભા ઝાલા તથા દિવ્યરાજસિંહ ઉર્ફે દિવુભા કનકસિંહ ઝાલા નામના બે શખ્સોએ અમારી વાડીમા માઇનોર કેનાલમા રાખેલ પથ્થર કેમ પાડી દીધેલ તેમ કહી ગાળો ભાંડી હતી. તેમજ બન્ને આરોપીઓએ તેના હાથમા રહેલ લાકડીના ધોકા વડે ફરિયાદી તથા તેમની સાથે રહેલ રણજીતને ફરિયાદીના ઘરના દરવાજાની બાજુમા તથા આરોપીના ઘરની સામે માર મારતા સામાન્ય મુઢ ઇજાઓ પહોંચી હતી. તેમજ આરોપીઓએ બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ આરોપીઓએ સાહેદ મહિપતને તેમના ઘર પાસે જ રોકી તેને ગાળો આપી માર મારતા સામાન્ય મુઢ ઇજા કરી ભાગી ગયા હતા. જે સમગ્ર મામલે હળવદ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.









