બે પક્ષોની સામસામી ફરિયાદમાં એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો.
હળવદ તાલુકાના ઇશનપુર ગામે બે પક્ષો વચ્ચે જૂની અદાવતના વિવાદથી ઝઘડો થયો હતો. જેમાં ગાળાગાળી, ધમકી તેમજ હથિયાર વડે હુમલો કરવાની કોશિશ સુધી વાત પહોંચી હતી. ઘટનાને પગલે બંને પક્ષોએ હળવદ પોલીસ સ્ટેશનમાં એકબીજા સામે સામસામી ફરિયાદ નોંધાવી છે. જે પૈકી એક ઈસમ વિરુદ્ધ એટ્રોસિટીની કલમ સહિતનો ગુનો નોંધાયો છે.
હળવદ તાલુકા ઇશનપુર ગામે તાજેતરમાં જૂની અદાવતને લઈને બે પક્ષો વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો જેમાં પ્રથમ પક્ષની ફરિયાદમાં ઇસનપુર ગામે રહેતા મુકેશભાઈ ઉર્ફે મુન્નો સોંડાભાઈ સારોલાએ આરોપી જગદીશભાઈ બાલાભાઈ મકવાણા તથા પરાક્રમ ઉર્ફે પ્રકાશ છનાભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાવી છે, જે ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગત તા.૨૪/૦૯ના રોજ ફરિયાદી તેમના મિત્ર સંજયભાઈ મકવાણા પાસેથી પૈસા લઈને પરત જતા હોય ત્યારે રસ્તામાં આરોપી જગદીશભાઈ બાલાભાઈ મકવાણા તથા પરાક્રમ ઉર્ફે પ્રકાશભાઈ છનાભાઈ મકવાણાએ રસ્તામાં અટકાવી ગાળાગાળી કરી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓમાંથી પ્રકાશ મકવાણા લાકડાનો ધોકો લઈને હુમલો કરવા દોડ્યો હતો. ત્યારે ગામ લોકોએ વચ્ચે પડી ફરિયાદીને માર મારવાથી બચાવી લેવામાં આવ્યા હતા.
જ્યારે સામાપક્ષે પરાક્રમભાઈ ઉર્ફે પ્રકાશભાઈએ સામી ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું કે, આરોપી મુકેશભાઈ ઉર્ફે મુન્નો ચારોલા તેમના ઘર પાસેથી પસાર થતા સમયે ગાળો બોલતા અને જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો વાપર્યા હતા. ત્યારબાદ તેઓ લોખંડની રાપ લઈને આવી ગાળો બોલતા તેમજ હુમલો કરવાની ધમકી આપતા હતા. તે દરમિયાન ગામ લોકો તથા જીઆરડીના કર્મચારીઓ વચ્ચે પડી ઝઘડો અટકાવ્યો હતો.
હાલ હળવદ પોલીસે બંને પક્ષોની ફરિયાદ પરથી પોલીસે કુલ ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. ત્રણ પૈકી એક આરોપી સામે એટ્રોસિટી સહિત ગુનો નોંધાવવમાં આવ્યો છે.