વાંકાનેર તાલુકાના જાલીડા ગામે અગાઉની અદાવતના કારણે આઠ ઈસમોએ ત્રણ વ્યક્તિઓ પર રિવોલ્વર સહિત ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો. ઘટનામાં ભોગ બનનાર ત્રણેયને ફ્રેક્ચર સહિત ગંભીર ઇજાઓ પહોંચી હતી. હાલ વાંકાનેર તાલુકા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેરના જાલીડા ગામના રહેવાસી અને પશુપાલનનો વ્યવસાય કરતા સાર્દુલભાઈ મેરાભાઈ લોહ ઉવ.૪૫એ આરોપી ભુપતભાઈ ઘુસાભાઈ હાડગરડા રહે.જાલીડા ગામ, જગમાલભાઇ હાડગરડા, જીવણભાઇ નારૂભાઇ હાડગરડા, જગાભાઈ ગોવિંદભાઈ સુસરા, વિપુલભાઈ કોળી તથા અજાણ્યા ત્રણ ઈસમો સહિત ૮ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી કે, અગાઉ આરોપી ભુપતભાઈ ઘુસાભાઈ હાડગરડા સાથે કારખાનામાં ડમ્પર ચલાવવા બાબતે માથાકુટ થઈ હતી, જેનો ખાર રાખી આરોપીઓએ આ હિંસક હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદી સાર્દુલભાઈ પોતાનું મોટરસાઈકલ લઈને ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે જાલીડા ગામ નજીમ તુલસી હોટલ સામે હાઈવે રોડ પર પહોંચતા આરોપી ભુપતભાઈ હાડગરડા અને વિપુલભાઈ કોળી રોડની સાઈડમાં ઉભા હતા. તેમણે ફરીયાદીને બોલાવી ગાળાગાળી કરી હતી અને આરોપી ભુપતભાઈએ પિસ્તોલ જેવું હથિયાર બતાવી ધમકી આપી હતી. બાદમાં આરોપીઓ પોતાની ગાડી તરફ જતા રહ્યા હતા. આ દરમિયાન ફરીયાદીના ભત્રીજા વિજય અને ભાણેજ રાહુલ ઉર્ફે મેહુલ ત્યાંથી પસાર થતા ફરીયાદીને જોઈ અટક્યા હતા. તે જ સમયે આરોપી ભુપતભાઈ, જગમાલભાઈ હાડગરડા, જીવણભાઈ નારૂભાઈ હાડગરડા, જગાભાઈ ગોવિંદભાઈ સુસરા તેમજ ત્રણ અજાણ્યા ઇસમોએ ગેરકાયદે મંડળી રચી એકસંપ કરી લોખંડના પાઈપ, કુહાડી અને લાકડાના ધોકા જેવા હથિયારો સાથે હુમલો કર્યો હતો. આ હુમલામાં ફરિયાદી સહિત ત્રણેયને ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચી હતી. હાલ વાંકાનેર તાલુકા પોલીસે આઠેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે









