માળીયા(મી) નજીક સુરજબારી પુલના છેડે સ્વીફ્ટ કારમાં આવેલ ખાણ-ખનીજ વિભાગના વિજિલન્સના અધિકારીની ખોટી ઓળખ આપી ટ્રક ઉભી રખાવી ટ્રકના ચાલક પાસેથી બળજબરીથી રૂ.૬,૦૦૦ પડાવી લીધાનો બનાવ સામે આવ્યો હતો. જે બનાવ બાદ સ્વીફ્ટ કારના રજી.નંબર ઉપરથી તથા વર્તમાન પેપરમાં છપાયેલ સમાચારને આધારે ટ્રક માલિકને આરોપીની જાણ થતા સમગ્ર બનાવ અંગે ટ્રક ચાલક દ્વારા માળીયા(મી) પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ નામજોગ ફરિયાદ કરતા પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર કચ્છ ભુજ જીલ્લાના લખાગઢ ગામના રામાભાઇ દેવાભાઇ મુંધવા ઉવ.૩૦ એ માળીયા(મી) પોલીસ મથકમાં આરોપી :
સ્વીફટ કાર નંબર GJ-24-X-5698 ના ચાલક હરીચંદ્રસિંહ બળવતસિંહ વાઘેલા/દરબાર રહે.ભચાઉ કચ્છ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે ગત તા. ૦૮/૦૩ના રોજ રાત્રીના આરોપી સ્વીફટ કાર નંબર જીજે-૨૪-એક્સ-૫૬૯૮માં આવી રામાભાઇનો ટ્રક રજી. જીજે-૧૨-બીવી-૬૩૮૦ રોકાવી આરોપી હરિચંદ્રસિંહે પોતે ખાણ ખનીજ વિભાગના વીજીલન્સના અધિકારીની ખોટી ઓળખ આપી રામાભાઈને ટ્રક પોલીસ સ્ટેશન લઈ લેવાની ધમકી આપી રામાભાઈ તથા તેના શેઠ જાકબભાઇ કે જેઓ સામખીયાળી રહે છે તેને ફોન કરી ટ્રક ચાલક પાસેથી રૂ.૬૦૦૦/- બળજબરીથી કઢાવી લીધાની ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે ડમી ખાણ-ખનીજ અધિકારી એવા આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.