હળવદ તાલુકાના માલણિયાદ ગામની સીમમાં ખેતર જવાના રસ્તે કોદાળી પાવડાથી ધૂળ(માટી) એકઠી કરતા હોય ત્યારે તે બાબતે બોલાચાલી કરી ઝઘડો શરૂ થયા બાદ સામસામી મારામારીનો બનાવ બનવા પામ્યો હતો. મારામારીના બનાવમાં બંને પક્ષોની ફરિયાદના આધારે ત્રણ મહિલા સહિત આઠ આરોપીઓ સામે હળવદ પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મારામારીના બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર હળવદ તાલુકાના નવા માલણિયાદ ગામે રહેતા જગદીશભાઈ બળદેવભાઈ ડાભી ઉવ ૪૨ એ કુલ છ આરોપીઓ સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જેમાં આરોપી કલ્પેશભાઈ નાનજીભાઈ કણઝરીયા, અશ્વિનભાઈ નાનજીભાઈ કણઝરીયા, અરવિંદભાઈ ઈશ્વરભાઈ તથા ત્રણેયની પત્નીઓ રહે.બધા નવા માલણિયાદ ગામ સહિત કુલ છ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ફરીયાદી જગદીશભાઇની વાડીનાં રસ્તે આ કામના આરોપી કલ્પેશભાઈ તથા તેની પત્ની કોદાળી પાવડાંથી ધુળ ભેગી કરતાં હતાં ત્યારે જગદીશભાઇએ આરોપી કલ્પેશભાઇને રસ્તેથી ધુળ ભેગી કરવાની ના પાડતાં જે આરોપી કલ્પેશભાઈને ન ગમતાં એકદમ ઉશ્કેરાઈ જઈ તેનાં હાથમાની કોદાળી જગદીશભાઇને માથામાં પાછળનાં ભાગે મારતાં લોહિ નિકળેલ.તથા આરોપી કલ્પેશભાઈની પત્ની તથા આરોપી અશ્વિનભાઈએ પાવડાંથી જગદીશભાઇને શરીરે મુંઢ માર મારેલ અને થોડીવાર બાદ અન્ય આરોપીઓને ત્યાં બોલાવી લાવતા તેઓએ પણ જગદીશભાઇને પાવડા ના ધોકા, ટામી વડે મુંઢમાર મારી જાનથી મારી નાખી દાટી દેવાની ધમકી આપી હતી.
જ્યારે સામાંપક્ષે નવા માલણિયાદ ગામે રહેતા છાયાબેન કલ્પેશભાઈ નાનજીભાઈ કણઝરીયા ઉવ.૩૩ એ હળવદ પોલીસ મથકમાં આરોપીઓ જગદીશભાઈ બળદેવભાઈ ડાભી તથા અરવિંદભાઈ બળદેવભાઈ ડાભી બન્ને રહે.નવા માલણિયાદ ગામ વિરૂદ્ધ વળતી ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ફરીયાદી છાયાબેન પોતાની વાડીનાં રસ્તાં બાજુ પાવડાથી પાણીના ધોરીયા તથા પાળા બાંધતા હોય ત્યારે આરોપી જગદીશભાઈ લાકડાંનાં હાથાવાળુ સોરીયુ હાથમાં લઈને આવેલ અને છાયાબેનને કહેલ કે અમારાં ખેતરમાથી ધુળ કેમ ભેગી કરો છો. તેમ કહી ગાળો બોલવા લાગેલ આથી છાયાબેને ગાળો બોલવાની ના પાડતાં આરોપી જગદીશભાઇએ સોરીયાનાં હાથાથી મુંઢ માર મારેલ તથા તેમના જેઠાણી ભાવનાબેનને મુઢ માર મારેલ અને ત્યારે આરોપી અરવિંદભાઈ હાથમાં લોખંડનો પાઈપ લઈ આવી છાયાબેનને ગાળો આપેલ તથા તેમના જેઠ અશ્વિનભાઈને પાઈપથી મુઢ માર મારી બન્ને આરોપીઓએ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ચાલ્યા ગયા હતા.
ઉપરોક્ત મારામારીના બનાવ બાદ બંને પક્ષની ફરિયાદના આધારે હળવદ પોલીસે કુલ આઠ આરોપીઓ સામે આઇપીસી ની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી તમામ આરોપીઓની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.