વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે અગાઉ થયેલી બોલાચાલીનો ખાર રાખી કુટુંબી દિયરે પોતાની ઇકો કાર હંકારી મહિલાને જાણી જોઈ સાઇડમાંથી અડફેટે લીધી હતી, જેના કારણે મહિલા ગટરમાં પડી જતા સામાન્ય ઇજા પહોંચી હતી. બનાવ બાદ આરોપીએ ગાળો આપી પરિવારના તમામ ઉપર કાર ચડાવી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે સમગ્ર બનાવ અંગે ભોગ બનનાર પરિવાર દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.
વાંકાનેર તાલુકાના મેસરીયા કુટુંબી કાકાના દીકરા સાથે થયેલ સામાન્ય બોલાચાલીનો ખાર રાખી એક મહિલાને ઇકો કારથી ઠોકર મારી ઇજા પહોંચાડ્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મેસરીયા ગામે રહેતા રમેશભાઈ રાજાભાઈ વાળા દ્વારા કરાયેલી ફરિયાદ મુજબ, ગત તા.૧૯/૦૧/૨૦૨૬ના રોજ સાંજના સમયે રમેશભાઇના પત્ની ગૈગરીબેન તેમના ભાઈના ઘરે જઈ રહ્યા હતા ત્યારે રમેશભાઇ કુટુંબી કાકાના દીકરા આરોપી પ્રકાશભાઈ વાલાભાઈ બેડવાએ પોતાની ઇકો કાર લઈને ગૌરીબેનનો પીછો કર્યો હતો. અને ઇકો કારને ફૂલ સ્પીડમાં ચલાવી પાછળથી મહિલાને મારી નાખવાના ઈરાદાથી ઇકો કારની સાઈડમાંથી ટક્કર મારી દેતા, ગૌરીબેન ગટરમાં પડી ગયા હતા. બાદમાં આરોપીએ ગાળો આપીને પરિવારના તમામ સભ્યો ઉપર કાર ચડાવી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારે સમગ્ર ઘટના અંગે રમેશભાઈને જાણ થતાં તેઓ પણ ઘટના સ્થળે પહોચતા આરોપી દ્વારા તેને પણ બેફામ ગાળો આપી હતી. જે બાદ ૧૧૨ નંબર પર કોલ કરાયો હતો અને પોલીસ સ્થળ પર પહોંચી હતી. મહિલાને સામાન્ય ઇજા પહોંચી હોવાથી સારવાર લેવામાં આવી નહોતી. હાલ વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરી છે.









