યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ભગતસિંહના જન્મદિવસની સંકલ્પ દિન તરીકે ઉજવણી કરાઈ
મોરબી : મોરબીમાં શહીદ ભગતસિંહના ક્રાંતિકારી વિચારોથી રંગાઈને સામાજિક કાર્યો થકી દેશભાવનાને સતત ઉજાગર કરવા માટે સક્રિય રહેતા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહીદ ભગતસિંહના જન્મદિવસની અનોખી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહીદ ભગતસિંહના જન્મ દિવસ નિમિત્તે સંકલ્પ દિવસ તરીકે ઉજવણી કરી ૩૯૨થી વધુ લોકોએ અંગદાન તેમજ દેહદાન અને દેશહિતના કાર્યો કરવા માટે સંકલ્પ લેવડાવી શહીદ ભગતસિંહને વીરાજંલી આપવામાં આવી હતી.
દેશની આઝાદી માટે પ્રાણની આહુતિ આપનાર કાંતિવીર શહીદ ભગતસિંહનો જન્મ દિવસ હોવાથી યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા મુજબ શહીદ ભગતસિંહના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, શહીદ ભગતસિંહે દેશની આઝાદી માટે સંકલ્પ કરી દેશ માટે ફના થઈ ગયા હતા. આથી શહીદ ભગતસિંહના આવા દ્રઢ સંકલ્પને પ્રેરણા સમજી અકસ્માતમાં કે ઇમરજન્સી દર્દીઓને નવજીવન મળે તે માટે યુવાનો મૃત્યુ પછી દેહદાન અને અંગદાન માટે સંકલ્પ કરે એવા હેતુસર સંકલ્પ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. ૩૦૦ થી વધુ લોકોએ અંગદાન અને ૯૨થી વધુ લોકોએ દેહદાનનો સંકલ્પ કર્યો હતો. શહીદ ભગતસિંહના જન્મ દિવસ નિમિત્તે ૩૯૨ લોકોએ અંગદાન અને દેહદાન કરીને ખરા અર્થે ભગતસિંહના કોઇપણ રીતે દેશસેવાના સંકલ્પ લેવા અન્યોને પ્રેરણા પુરી પાડી હતી.