‘હું કહું ત્યારે મારા ઘર તથા ઓફિસની બાજુમાં સફાઈ કર્મચારી મોકલવાના નહીંતર મજા નહિ આવે’ કહી પાલિકાના કર્મચારીને ધાક ધમકી આપી
મોરબીની નાની બજારમાં આવેલ પાલિકાની ઑફિસે જઈ પાલિકાના કર્મચારી ઉપર ખોટા આક્ષેપો કરી વિડિઓ ઉતારી પોતાના ઘર તથા ઓફિસની બાજુમાં સફાઈ કર્મચારી મોકલવા અંગે બોલાચાલી કરી પાલિકા કર્મચારી સાથે બેફામ વાણી વિલાસ કરી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી, ગર્ભિત ધાક ધમકી આપનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. હાલ પોલીસે પાલિકા કર્મચારીની ફરિયાદના આધારે આરોપી સામે ફરજમાં રૂકાવટ તથા ધાક ધમકીની આઇપીસી કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી વિગતો અનુસાર મોરબીના લીલાપર રોડ સરકારી ગૌશાળા પાસે રહેતા મુળ વાંકાનેર તાલુકાના નવી કલાવડી ગામના વતની અશોકભાઈ જેન્તીભાઈ ઉઘરેજા ઉવ.૫૬ ke જેઓ મોરબી નગર પાલિકામાં ફરજ બજાવે છે અને મોરબીની નાની બજારમાં આવેલ પાલિકાની ઓફિસમાં સફાઈ કામદારોની દેખરેખનું કામ સાંભળે છે ત્યારે તેઓએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિશાલ પ્રદિપભાઈ સેજપાલ રહે.મોરબી ચિંચા કંદોઈ વાળી શેરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ફરિયાદી અશોકભાઈ પોતાની જાહેર સેવક તરીકેની કાયદેસરની ફરજમા નાની બજાર ખાતેની ઓફિસે હોય તે દરમ્યાન આરોપી વિશાલ સેજપાલ અશોકભાઈ ઓફીસ પર જઈને ખોટા આક્ષેપો કરી સફાઈ કર્મચારીનુ હાજરી કાર્ડ પોતાની સાથે બળજબરીપુર્વક લઈ જઈને આરોપી વિશાલ સેજપાલે તેના રહેણાક મકાન પાસે જાહેર સ્થળ પર જેમ ફાવે તેમ અપશબ્દો બોલી ફરજમા રૂકાવટ કરી કહેલ કે ‘હું કહું ત્યારે મારી ઓફિસની બાજુમાં અને ઘરની બાજુમાં સફાઈ માટે પાલિકાના માણસો મોકલવાના નહિ તો મજા નહિ આવે’ તેવી ગર્ભિત ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે આરોપી વિશાલ સેજપાલ સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.