મોરબીમાં બે દિવસ અગાઉ એક લગ્ન વિચ્છેદ મહિલા ઉપર સવારે ૭ વાગ્યાના અરસામાં રવાપર રોડ સ્થિત બાપાસીતારામ ચોક ખાતે બે અજાણ્યા શખ્સો દ્વારા લાકડીથી હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર બનેલ બનાવના સીસીટીવી ફૂટેજ ઉપરથી હુમલો કરનાર શકમંદ તરીકે મહિલાનો ભાવનગર રહેતો પુરુષ-મિત્ર કે જેના સાથે યુવતીને ફોન ઉપર ઝઘડો થતા મોબાઇલ નંબર બ્લોક લીસ્ટ કર્યો હોય તેનો ખાર રાખી આ હુમલો કરાવ્યો હોવાનું સામે આવતા મહિલા દ્વારા પોતાના પુરુષ-મિત્ર વિરુદ્ધ મોરબી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે આઇપીસી કલમ ૩૨૩,૧૧૪ તથા જીપીએક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
સમગ્ર બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના બાપા સીતારામ ચોક નજીક શેરીમાં રહેતી લગ્ન વિચ્છેદ મહિલાએ(સામાજિક નૈતિકતાને કારણે નામ નથી લખ્યું) શકમંદ આરોપી વિજયભાઈ બારૈયા રહે.ભાવનગર તથા અન્ય બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગત તા. ૦૭/૦૨ના સવારે સાત વાગ્યાના અરસામાં રવાપર રોડ બાપાસીતારામ ચોક ચાંદની પાનવાળી શેરીમાં લગ્ન વિચ્છેદ મહિલા અને તેનો પુત્ર ચાલીને જતા હોય ત્યારે પાછળથી બે અજાણ્યા માસ્ક પહેરેલા શખ્સોએ લાકડી વડે યુવતી ઉપર હુમલો કર્યો હતો. જે હુમલામાં મહિલાને પગમાં અને શરીરે ઈજાઓ થઇ હતી. ત્યારે આ હુમલાનું ચોક્કસ કારણ જાણવા સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા.
ત્યારે આ હુમલો કરનાર મહિલાના ભાવનગર રહેતા પુરુષ-મિત્ર વિજયભાઈ બારૈયા કે જેની સાથે યુવતીને ઘણા સમયથી ફોન ઉપર ઝઘડો ચાલતો હોય જેથી મહિલાએ પોતાના પુરુષ-મિત્રનો મોબાઇલ નંબર બ્લોક કરી નાખ્યો હોવાનું મનદુઃખ રાખી આ હુમલો કરાવ્યાની અટકળના આધારે મહિલાએ શકમંદ વિજયભાઈ બારૈયા તથા અન્ય અજાણ્યા બે શખ્સો સહીત ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હાલ સીટી એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તે દિશામાં તપાસ હાથ ધરી છે.