મોરબીના રોહીદાસપરામાં પાણીનો જગ રાખવા જેવી સામાન્ય બાબતે બીમાર યુવકને લાકડી વડે માથામાં ઘા મારી ઇજા પહોંચાડનાર વિરુદ્ધ બીમાર યુવકની માતા દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી સામે આઇપીસી ૩૨૫ તથા જીપી એક્ટ કલમ હેઠળ ગુ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મોરબીના રેલ્વે સ્ટેશન પાછળ આવેલ રોહીદાસપરા શેરી.નં.૩માં રહેતા પાર્વતીબેન મોતીભાઇ કાટીયા ઉવ.૬૫ એ મોરબી બી ડિવિઝન પોલીસમાં આરોપી રાહુલભાઇ ખીમજીભાઇ શ્રીમાણી રહે-મોરબી રેલ્વે સ્ટેશન પાછળ રોહીદાસપરા શેરી નં-૩ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પાર્વતીબેનના દીકરા જયેશને મજા ન હોવાથી પોતે ઘરમા સુતો હોય તે દરમિયાન પાડોશમાં રહેતા આરોપી રાહુલભાઈ મોટા અવાજે રાડો પાડીને પાણીનો જગ તેના ઘેર નાખી જવાનુ કહેતા બીમાર જયેશભાઇએ પોતાને મજા ન હોય અને પોતાના મોટાભાઇ પણ ઘેર ન હોવાનુ કહી પરીસ્થીતી સમજવાનુ કહેતા જે બાબતે આરોપીને સારૂ નહી લાગતા, રાહુલભાઈએ અચાનક પાછળથી આવી જયેશભાઇને માથાના ભાગે લાકડાના બડીકાનો એક ઘા મારી ઇજા કરી હતી. ત્યારે સમગ્ર બનાવ બાબતે ભોગ બનનારની માતા દ્વારા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.