મોરબીમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. જેને પડકારવા અને વ્યાજંકવાદને જડથી ઉખાડી નાખવા ગૃહ મંત્રીએ હુંકાર કર્યો છે. જેને પગલે પોલીસ તંત્ર દ્વારા ઠેર ઠેર લોકદરબાર તેમજ જનસંપર્ક સભાઓ યોજાઈ રહી છે. જેમાં ગઈકાલે એક યુવકે ફરિયાદ નોંધાવી હતી કે, વ્યાજે લીધે પૈસા અને તેનો વ્યાજ ચૂકવી દીધો હોવા છતાં આરોપી તેની પાસેથી વધુ રૂપિયાની માંગણી કરી તેને મારી નાખવાની ધમકી આપી રહ્યા છે, જે ફરિયાદનાં આધારે પોલીસે આરોપીની શોધખોળ શરુ કરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી રવાપર રાધેક્રિષ્ના બી એપાર્ટમેન્ટ ફલેટનં.૪૦૨ ક્રિષ્ના સ્કુલવાળી શેરીમાં રહેતા ભાવીનભાઇ હરેશભાઇ ઠોરીયા નામના યુવકે ખાખરાળા ગામે રહેતા અમીતભાઇ વસંતભાઇ ડાંગર નામના શખ્સ પાસેથી રૂ.૨,૦૦,૦૦૦/- વ્યાજે લીધેલ હોય જે વ્યાજ સહીત કુલ રકમ રૂ.૨,૭૦,૦૦૦/- ચુકવેલ હોવા છતા આરોપીએ ફરિયાદી પાસેથી વધુ પૈસા પડાવવાના હેતુથી બળજબરી પુર્વક પઠાણી ઉઘરાણી કરી ફરિયાદીના ઘરે જઇ છરી દેખાડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા સમગ્ર મામલે ભાવીનભાઇ હરેશભાઇ ઠોરીયાએ અમીતભાઇ વસંતભાઇ ડાંગર વિરુદ્ધ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.