પાર્ટેસન પાડોશીની દીવાલમાં લગાવતા હોવાથી તેમ કરતા અટકાવતા વૃદ્ધ અને તેની પુત્રવધુ ઉપર હુમલો કરાયો
મોરબીના રવાપર રોડ ઉપર વિજયનગર-૧ ગાયત્રીનગરમાં દીવાલમાં હોલ(બારી)ની જગ્યાએ પાર્ટેસન લગાવવાની બાબતે પાડોશી વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થતા સામસામે મારા મારીનો બનાવ બનવા પામ્યો હતો, જેમાં પ્રથમ ઉપરોક્ત બાબતે પિતા-પુત્ર સામે માર મારવાની ફરિયાદ થઈ હોય જે બાબતની વળતી ફરિયાદમાં વૃદ્ધ અને તેમની પુત્રવધુ વિજયનગર સ્થિત ભાડે આપેલ મકાને ગયા હોય ત્યારે હોલ(બારી) બુરવા પાડોશીને તેમની દીવાલમાં પાર્ટેસન લગાવવાનું કહેતા પાડોશી પરિવાર એક સંપ થઈ વૃદ્ધ અને તેમની પુત્રવધૂને માર મારતા ત્રણ મહિલા સહિત આઠ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના આલાપ રોડ સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટના બ્લોક નં.૪ માં રહેતા ૬૭ વર્ષીય હંસરાજભાઈ ડાયાભાઇ કાવર નામના વૃદ્ધે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી (1) રણછોડભાઈ મનજીભાઈ, ચુનિલાલભાઈ, ભુદરભાઈ, સુનીતાબેન રણછોડભાઇ, રમેશભાઈ મગનભાઈ, રમેશભાઈના પત્ની, પ્રવણભાઈ ચુનિલાલનભાઇ તથા કાંતાબેન ચુનીલાલભાઈ એમ ૮ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી કે ગત તા.૦૬/૧૧ના રોજ હંસરાજભાઈ અને તેમના પુત્રવધુ વિજયનગર-૧ ગાયત્રીનગરમાં આવેલ પોતાના ભાડે આપેલ મકાને ગયા હોય ત્યારે મકાનની પાછળ રહેતા રણછોડભાઈ પોતાના મકાનની દીવાલમાં હોલ(બારી) હોય કે જ્યાંથી કોઈ વ્યક્તિ તેમના ઘરમાં પ્રવેશ કરી શકે તેમ હોય જેથી તે હોલ(બારી)માં પાર્ટેસન લગાવતા હોય જે પાર્ટેસનની એંગલ ફરિયાદી હંસરાજભાઈની દીવાલમાં લગાવતા હોય જેથી હંસરાજભાઈએ તેમ ન કરવા જણાવતા આ બાબતે આરોપીઓને સારું નહીં લાગતા હંસરાજભાઈ અને તેમની પુત્રવધુ સાથે ઉપરોક્ત તમામ આરોપીઓએ બેફામ અપશબ્દો બોલી ઝપાઝપી કરવા લાગ્યા અને લાકડાના ધોકાથી માર મારવા લાગ્યા હતા. જેમાં હંસરાજભાઈને માથામાં ઇજાઓ તેમજ તેમની પુત્રવધૂને શરીરે મૂંઢમાર ની ઇજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી, હંસરાજભાઈની માથામાં થયેલ ઇજાઓમાં ચાર જેટલા ટાંકા આવ્યા હોય જેથી સમગ્ર બનાવ મામલે ત્રણ મહિલા સહિત આઠ આરોપીઓ સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત બનાવમાં પ્રથમ હાલના આરોપી રણછોડભાઈ વનજીભાઈ કાચરોલા દ્વારા હંસરાજભાઈ અને તેમના પુત્ર જીજ્ઞેશભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી, જ્યારે હંસરાજભાઈ દ્વારા વળતી ફરિયાદમાં ત્રણ મહિલા સહિત આઠ સામે ફરિયાદ નોંધાવી હતી, હાલ સીટી એ ડિવિઝન પોલીસે સમગ્ર બનાવ મામલે કુલ ૧૦ આરોપીઓ સામે ગુનો દાખલ કરી આરોપીઓની અટકાયત કરવા સહિતની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.