મોરબીના ખાટકીવાડા વિસ્તારમાં આવેલ રહેણાંક નજીક બેઠેલ કૂતરાને ત્યાંથી કાઢવા મહિલા દ્વારા ધુતકાર્તા હોય તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા તે જ વિસ્તારમાં રહેતા યુવકને એમ કે તેને ધૂતકાર્તાનું સમજીને મહિલા સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરતા મહિલાને મૂંઢ ઇજા પહોંચી હતી, જે બાદ આ વાતનો ખાર રાખી બીજે દિવસે ઉપરોક્ત યુવક તેની પત્ની અને દીકરી સાથે પોતાના ઘરે જતો હોય ત્યારે ઉપરોક્ત મહિલાએ તેના પતિ સહિત ત્રણ સાથે મળી યુવકને અને તેની દીકરીને ઢીકાપાટુનો માર માર્યો હતો, હાલ બંને અલગ અલગ દિવસના બનાવમાં સામસામી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના ખાટકી વાડા, કુબેરનાથવાળી શેરીમાં રહેતા આઇશાબેન હુસેનભાઈ કટારીયાએ ફરિયાદ નોંધાવી છે કે ૧૧મી નવેમ્બર ૨૦૨૪ના રોજ રાતે લગભગ ૯:૩૦ વાગ્યે પોતાના ઘર પાસે બેઠેલા કુતરાને ત્યાંથી કાઢવા હડકાવતાં ત્યાંથી પસાર થઈ રહેલા શબીર અબ્બાસભાઈ ખાટકી નામના વ્યક્તિને એમ લાગ્યું કે પોતે ત્યાંથી પસાર થાય છે એટલે આઇશાબેને એમ કર્યું જેથી શબીરે ગાળો આપી અને આઇશાબેન સાથે ઝપાઝપી કરી હતી. જેના કારણે આઇશાબેનને મૂંઢ ઇજાઓ પહોંચી હતી. જેથી પોલીસે આરોપી શબીરભાઈ સામે બી.એન.એસ. કલમ ૧૧૫(૨) અને ૩૫૨ મુજબ ફરીયાદ નોંધી હતી.
જ્યારે ઉપરોક્ત બનાવ બાદ તા.૧૨/૧૧ના રોજ મોરબીની દરબાર શેરીમાં આંબલી ફળીમાં રહેતા સબીર અબ્બાસભાઈ તરકબાણ પત્ની અને દીકરી સાથે ઘરે જતાં હતાં, ત્યારે ખાટકી વાડો ઢાલરસા શેરી પાસે હુસેનભાઈ કટારીયા, આયશા કટારીયા અને સેહનાજ ચૌહાણએ તેમના પર હુમલો કર્યો અને બોલાચાલી બાદ તેમને તથા તેમની દીકરીને ઢીકા પાટુનો માર મારવામાં આવ્યો હતો. જેથી સબીરભાઈને અને તેમની દીકરીને મૂંઢ ઇજાઓ પહોંચી હતી.
ઉપરોક્ત બંને ફરિયાદોમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બે મહિલા સહિત ચાર આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.