મોરબી: કહેવાય છે કે વહેમની કોઈ દવા નથી તે યુક્તિ મુજબ પતિના તેની સાથે કામ કરતી યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાના આક્ષેપ સાથે વકીલાત કરતી યુવતીને કોર્ટ-પરીસરમાં જાહેરમાં બોલાચાલી કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતી આરોપી મહિલા સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી મહિલા સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી નજીક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અને છેલ્લા ચાર વર્ષથી વકીલાત કરતી ૨૮ વર્ષીય યુવતીએ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી દક્ષાબેન દેવજીભાઈ રાઠોડ નામની પરિણીતા સામે ફરિયાદ નોંધાવી કે ગઈ તા. ૧૮/૧૦ના રોજ વકીલાત કરતી યુવતી તેના નિત્યક્રમ અનુસાર સાડા દસ વાગ્યે મોરબી લાલબાગ ખાતે આવેલ કોર્ટ ખાતે આવી ગયેલ જે બાદ બપોરના ૧ વાગ્યે પોતાનું કામ પૂર્ણ કરી ફેમિલી કોર્ટમાં જતી હોય ત્યારે કોર્ટ-પરિસરમાં ઉપરોક્ત મહિલા આરોપી દક્ષાબેન તેની પાસે આવીને કહેવા લાગેલ કે મારા પતિ સાથે તું કેમ અફેર રાખે છે તેવા આક્ષેપો કરી જાહેરમાં ગાળો આપવા લાગી હતી, જેથી વકીલ યુવતીએ ગાળો આપવાની ના કહેતા એકદમ ઉશ્કેરાયેલ આરોપી દક્ષાબેને યુવતીના શર્ટનો કોલર પકડી ઝપાઝપી કરી માર મારવા લાગેલ, બાદ ત્યાં હાજર માણસોએ વચ્ચે પાડીને વકીલ યુવતીને વધુ માર મારવાથી બચાવેલ ત્યારે જતા જતા આરોપી દક્ષાબેને વકીલ યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ચાલ્યા ગયા હોવાની ફરિયાદ નોંધાવી છે, હાલ બી ડિવિઝન પોલીસે બીએનએસની વિવિધ કલમ હેઠ આરોપી મહિલા સામે ગુનો દાખલ કરી તેની અટકાયત સહિતની કાર્યવાહી હાથ ધરી છે.