મોરબીમાં એક પરિણીતાએ પતિ સહિત સાસુ-સસરા, દિયર, નણંદ અને નણંદોયા વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. આ સાથે મોરબી મહિલા પોલીસે છ આરોપીઓ સામે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીની દીકરી અને ચોટીલા સાસરે રહેતા હેતલબેન જયકિશનભાઈ રાઠોડે પોતાના પતિ અને સાસરીયાઓ દ્વારા લગ્નજીવન દરમિયાન અવારનવાર ત્રાસ આપ્યાની ફરિયાદ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ફરિયાદ મુજબ તેમના લગ્ન વર્ષ ૨૦૨૨માં ધ્રાંગધ્રાના જયકિશનભાઈ ભાણજીભાઈ રાઠોડ સાથે થયા હતા અને લગ્નજીવન દરમિયાન પુત્રનો જન્મ થયો હતો. ત્યારે હેતલબેને આરોપી પતિ જયકિશનભાઈ ભાણજીભાઈ રાઠોડ, સાસુ જયાબેન, સસરા ભાણજીભાઈ શિવાભાઈ ત્રણેય રહે. ચોટીલા શિવશક્તિ સોસાયટી, આરોપી દિયર ઉપેન્દ્રભાઈ રહે. ખોમભડી તા.નખત્રાણા કચ્છ, નણંદ દીપિકાબેન પરમાર અને નણંદોયા હરેશભાઈ ગણેશભાઈ પરમાર બંને રહે. સંકલ્પ એપાર્ટમેન્ટ રાણીપ અમદાવાદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, સાસુ-સસરા, નણંદ અને અન્ય પરિવારજનો ઘરકામ તથા કરિયાવર બાબતે અવારનવાર મેણાટોણા મારતા અને ઝઘડા કરતા હતા. સાથે જ પતિ દ્વારા પણ મારકૂટ કરવામાં આવતી અને અનેકવાર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.









