મોરબી: ગોંડલની વતની અને મોરબીમાં પરણેલી મહિલાએ પતિ સહિત સાસરિયા સામે નાની નાની બાબતે હેરાનગતિ, મારકૂટ અને કરિયાવર મુદ્દે ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. મોરબી મહિલા પોલીસે ત્રણેય આરોપીઓ સામે બીએનએસ કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ગોંડલ ખાતે માવતરે રહેતી અભિલાષાબેન હર્ષદભાઈ મનજીભાઈ કડીવારે મોરબી મહિલા પોલીસ મથકમાં પોતાના પતિ હર્ષદભાઈ મનજીભાઈ કડીવાર, સાસુ ચંપાબેન મનજીભાઈ કડીવાર અને જેઠ જીજ્ઞેશભાઈ મનજીભાઈ કડીવાર બધા રહે. ૫૦૨, ઋષિકેશ એપાર્ટમેન્ટ, લીલાપર કેનાલ રોડ, મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદ મુજબ લગ્નજીવન દરમિયાન નાની નાની બાબતો, ઘરકામ તેમજ કરિયાવર મુદ્દે ફરિયાદી અભિલાષાબેનને અવારનવાર મેણાટોણા મારી હેરાન પરેશાન કરવામાં આવતા હતા. ઉપરાંત મારકૂટ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલ મોરબી મહિલા પોલીસે ફરિયાદના આધારે પતિ સહિતના ત્રણેય આરોપીઓ વિરુદ્ધ બીએનએસ કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









