મોરબીમાં શહેરના નવડેલા રોડ ઉપર વેપારીને તેની દુકાને બે મોટર સાયકલમાં આવેલ ચાર જેટલા શખ્સોએ વેપારીને બેફામ ઢીકાપાટુ, લોખંડના પાઇપ તથા સોડા બોટલથી માર મારી, દુકાનમાં મોટા પાયે નુકસાન કરવામાં આવ્યું છે. સમગ્ર બનાવમાં ભોગ બનનાર વેપારીને અગાઉ અન્ય વેપારી સાથે મારામારી અને વ્યાજની ફરિયાદ થઈ હતી જે રૂપિયા કઢાવવા હાલના આરોપીઓને હવાલો આપ્યો હોય પરંતુ બન્ને વેપારીઓ વચ્ચે સમાધાન થઈ ગયું એટલે આરોપીને હવાલાના રૂપિયા ન મળેલ જે રૂપિયાની ઉઘરાણીને લઈને વેપારી ઉપર હુમલો કરાયો હતો. હાલ ભોગ બનનાર વેપારીની ફરિયાદને આધારે શહેર પોલીસે ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મોરબીના શનાળા રોડ ઉપર વિશ્વપાર્ક બ્લોક નં.૮ માં રહેતા મિથુનભાઈ ઉર્ફે લખનભાઈ કુંધનાણી ઉવ.૩૮ એ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં હોય ત્યારે પોલીસ સમક્ષ આરોપી મોઇન ઉર્ફે ભોલો કાદરભાઈ ઘાંચી રહે.વાવડી રોડ, તનવીર અબ્દુલભાઇ મતવા રહે.કાલિકા પ્લોટ, ફારૂક રફીકભાઈ શેખ રહે.કાલિકા પ્લોટ તથા આરોપી ઇજમામ સમસાદભાઈ પઠાણ રહે.ઘાંચી શેરી મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં ફરીયાદી મિથુનભાઈ ઉર્ફે લખનભાઈને આજથી ચાર પાંચ મહીના પહેલા તેની બાજુમા આવેલ ‘મહાવીર દુકાન’ વાળા જીગાભાઈ સાથે વ્યાજ વટાવ તથા મારામારીની ફરીયાદ થયેલ હોય જેમાં જિગાભાઈ સાથે સાડા પાંચ લાખ રૂપીયામાં સમાધાન થયેલ હોય અને આ જીગાભાઇએ અગાઉ આરોપી ભોલો ઉર્ફે મોઇનને મિથુનભાઈ પાસે પૈસા કઢાવવા માટે હવાલો આપ્યો હોય પરંતુ ફરીયાદીને સમાધાન થતા આરોપી મોઇન ઉર્ફે ભોલાએ મહાવીર દુકાનવાળા જીગાભાઇ પાસે પૈસા માગતા જે પૈસા નહી આપેલ હોય, જેથી આ આરોપી મોઇન ઇરફે ભોલો ફરીયાદી મિથુનભાઈ પાસે રૂપીયા બાર લાખની વારંવાર અલગ અલગ ફોન નંબર ઉપરથી ફોન કરી તથા રૂબરૂ આવી ‘બળજબરીપુર્વક રૂપીયા આપી દે નહીતર તારા ટાટીયા ભાગી નાખવા’ અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય તો પણ ફરીયાદી મિથુનભાઈએ રૂપિયા આપવાની ના કહી હતી.
ત્યારે આ સામાપક્ષે આપેલ હવાલાના રૂપીયા નહીં આપતા જેનો ખાર રાખી, ગઈકાલ તા.૧૨/૦૭ ના રોજ બપોરના અરસામાં ફરિયાદી મિથુનભાઈ નવડેલા રોડ ઉપર પોતાની દુકાન ‘ભગવતી ટ્રેડિંગ’ ખાતે હાજર હતા, ત્યારે બે મોટરસાયકલ પર આવેલા ચાર ઈસમો પૈકી મોઇન ઉર્ફે ભોલો અને અન્ય આરોપી બન્ને દુકાનમાં ઘુસી દુકાનદાર ઉપર પાઈપ અને ઢીકાપાટાથી હુમલો કર્યો હતો. આરોપી તનવીરે લોખંડના પાઈપથી કાઉન્ટર પરના કાચ તોડી નાખ્યા અને ફરિયાદી મિથુનભાઈના હાથ, ખભા, પગ તથા વાસા પર ઇજા કરી હતી જે બાદ બન્ને આરોપીઓ વેપારીને દુકાન બહાર લાવતા જ્યાં અન્ય બે આરોપીઓએ ગાળો આપી કાચની બોટલના છુટા ઘા માર્યા હતા. જે બાદ દુકાન બહાર આજુબાજુ દુકાનવાળા વેઓરીઓ ભેગા થઈ જતા આ ચારેય આરોપીઓએ ફરિયાદી મિથુનભાઈને ધમકી આપી કે હવે આ દુકાને આવીશ તો જાનથી મારી નાખીશ તેમ કહીને ચાલ્યા ગયા હતા. ત્યારે મિથુનભાઈ દુકાનમાં કામ કરતા કર્મચારીઓએ તેઓને સાઈવર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. હાલ પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ બીએનએસ અને જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.