મોરબીના કબીર આશ્રમ નજીક ભક્તીનગર વિસ્તારમાં પ્રેમ સંબંધના જૂના ખારને પગલે ચાર વ્યક્તિઓએ કાલે રાત્રે યુવાન પર પથ્થર વડે હુમલો કર્યો હતો. ઘટનામાં મહિલાઓ સહિત ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચતાં સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
મોરબીના વાવડી રોડ કબીર આશ્રમ પાછળના વિસ્તારમાં વસવાટ કરતા નરેશભાઈ વિનોદભાઈ પરમાર ઉવ.૨૪ તેમના પરિવાર સાથે ભક્તીનગર-૨માં રહે છે. ગઈકાલ તા. ૨૭/૦૫ની રાત્રે નરેશભાઈ તેમના પરિવારના સભ્યો તથા સંબંધીઓ સાથે તેમના મામા રમેશભાઈ કેશવભાઈ કંજારીયાના ઘર બહાર બેઠા હતા. આ દરમિયાન તેમના ભાઈ ઉમેશ અને મામના દીકરા પ્રકાશને ચા લેવા ગયેલા હતાં. એ સમયગાળામાં તેમના મામના ઘરની સામે રહેતા વિષ્ણુભાઈ વાસુદેવભાઈ પરમારે ઉમેશ અને પ્રકાશને રોકી અગાઉ પ્રકાશની બહેન સાથે પ્રેમસંબંધમાં સમાધાન થયું હોય તે બાબતનો ખાર રાખી પ્રકાશને અને ઉમેશ સાથે ગાળો આપી બોલાચાલી શરૂ કરી હતી, મામલો ગંભીર બનતા નરેશભાઈ અને તેમના મામા રમેશભાઈ, ધીરુભાઈ, ધનશુખભાઈ અને ગીતાબેન તે બધા વિષ્ણુભાઈને સમજાવવા ગયા ત્યારે વિષ્ણુભાઈએ પથ્થરના છુટા ઘા કરી નરેશભાઈના માથા પર મારી ઇજા પહોંચાડેલ. ત્યારે અન્ય આરોપીઓ વાસુદેવભાઈ પરમાર (પિતા), રંજનબેન વાસુદેવભાઈ પરમાર (માતા) તથા જિગ્નેશ જગદીશભાઈ નકુમ રહે. ગાયત્રીનગર મોરબી પણ પહોંચી ગયા અને રમેશભાઈને વાસામા ધોકા મારી, ગીતાબેનને જમણા હાથમાં ધોકા મારી અને ધીરુભાઈને આખે ધોકા મારતા ઈજાગ્રસ્ત થયા. ઘટનાની જાણ થતાં અન્ય સંબંધીઓએ ઇજાગ્રસ્તોને પ્રાઇવેટ વાહન દ્વારા મોરબીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે. હાલ નરેશભાઈએ હોસ્પિટલના બિછાનેથી આરોપી વિષ્ણુભાઈ પરમાર, વાસુદેવભાઈ પરમાર, રંજનબેન પરમાર તથા જિગ્નેશ નકુમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, સીટી એ ડિવિઝન પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.