મોરબીના રવાપર ધુનડા રોડ ઉપર ઝૂપડામાં રહેતા અને પાણીના કારખાનામાં રહી પાણીની બોટલ સપ્લાયનું કામ કરતા યુવકે રવાપર ધુનડા રોડ ઉપર રહેતા શખ્સ પાસેથી છોટા હાથી વાહન ગીરવે મૂકી ૧૦ ટકાના ઉચા વ્યાજે રૂપિયા લીધા હતા. વ્યાજખોર પાસેથી સમજૂતી પ્રમાણે ૨૫ હજાર આજે બીજા ૨૫ હજાર બીજે દિવસે આપવાનું નક્કી થયું હતું. ત્યારે બીજા દિવસે વ્યાજખોર શખ્સે ૨૫ હજારના ૩૫ હજાર રૂપિયા પરત આપવાનું કહી છોટાહાથી વાહન પરત ન આપતા હતપ્રત યુવકે ફિનાઈલ પી લેતા તેને સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિ.ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર બનાવ મામલે યુવકે વ્યાજખોર શખ્સ વિરુદ્ધ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર મોરબીના રવાપર ધુનડા રોડ ઉપર યોગેશભાઈના ભરડીયાની સામે ઝૂપડામાં રહેતા અને આજ રોડ ઉપર આવેલ રાઘવ વોટર પાણીના કારખાનામાં નોકરી કરતા અમીતભાઇ રમેશભાઇ કાનાણી ઉવ.૧૯ એ ગત તા. ૩૧/૦૧ ના રોજ પોતાની માલિકીનું છોટાહાથી વાહનના હપ્તાની ચુકવણી માટે આરોપી ભોલુ જારીયા પાસેથી ૫૦ હજાર રૂપિયાની માંગણી કરતા આરોપી પાસેથી રૂ.૨૫,૦૦૦/- ઉંચા વ્યાજે નાણા લીધેલ હોય જે રૂપીયાના બદલામાં અમિતભાઈએ પોતાનુ ટાટા મેક્સી (છોટાહાથી) જીજે.૩૬.વી.૨૩૨૮ વાળુ ગીરવે રાખ્યું હતું. ત્યારે બીજા દિવસે અન્ય ૨૫હજારની માંગણી કરતા આરોપી ભોલુ જારીયાએ કહ્યું કે બીજા ૨૫હજાર નથી આપવાના તેથી અમિતભાઇએ લીધેલ રૂપીયા આરોપીને પરત આપવાનુ કહેતા આરોપી ભોલુ જારીયાએ એક રાતના ૨૫,૦૦૦ના બદલામાં રૂ.૩૫,૦૦૦/- રૂપીયાની પઠાણી ઉઘરાણી કરી ગાળો આપી અને રૂપીયા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા અમિતભાઇ પાસે બીજા રૂપિયા ન હોવાને કારણે ગભરાય જઈ મોરબીના લાતી પ્લોટ શેરી નં ૬માં ફિનાઈલ પી લીધું હતું. ત્યારે અમિતભાઈને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જે બનાવ અંગે અમિતભાઈએ આરોપી ભોલુ જારીયા રહે. રવાપર ધુનડા રોડ મોરબી વિરુદ્ધ સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.