ચામડાતોડ વ્યાજ, પઠાણી ઉઘરાણી અને જાનથી મારી નાખવાની ધમકીઓ, બળજબરીથી ચેક પણ પડાવ્યા.
મોરબીમાં ૬૮ વર્ષીય બુટ ચપ્પલ લારીધારક વ્યાજખોરીના ગંભીર માયાજાળમાં ફસાયા હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં વૃદ્ધે ચાર શખ્સો સામે ઊંચા વ્યાજે રૂપિયા આપી બળજબરીથી લાખો રૂપિયાનું વ્યાજ વસૂલવા, ધમકી આપવા અને સહી કરેલા ચેક પડાવ્યા હોવા અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ સામે આઈપીસી કલમ તથા નાણા ધીરધાર બાબતેના અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો અનુસાર, મોરબીના ખત્રીવાડ શેરી નં.૫ માં રહેતા દિલીપભાઈ બચુભાઈ ચૌહાણ ઉવ.૬૮ કે જેઓ નગર દરવાજા ચોક ખાતે લારીમાં બુટ ચપ્પલ વેંચતા હોય ત્યારે તેઓએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી (૧)સંજયભાઈ કાનજીભાઈ ચુડાસમા રહે.વાવડી રોડ રામપાર્ક મોરબી, (૨)ઇકબાલ ગનીભાઈ પીંજારા રહે. મકરાણીવાસ મોરબી, (૩)સબીર કાસમભાઈ પીંજારા રહે. વીસીપરા તથા (૪)હેમંતભાઈ આહીર રહે. મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, આરોપી સંજયભાઈ ચુડાસમાએ શરૂઆતમાં રૂ.૩૦,૦૦૦/- ઉંચા વ્યાજે આપીને ત્રણ મહિનામાં રૂ.૩૬,૦૦૦/- વસૂલ્યા હતા. ત્યારબાદ ફરી રૂ.૫૦,૦૦૦/-આપી માસિક રૂ.૧૫,૦૦૦/- પ્રમાણે ૨૯ મહિના સુધી કુલ રૂ.૪.૩૫ લાખ વ્યાજ વસૂલ્યું હતું. વ્યાજ ન ભરતા ફરિયાદી અને તેના દીકરાને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી બેંકના ચેક સહી કરાવી લેવામાં આવ્યા હતા.
આ સિવાય આરોપી ઇકબાલ પીંજારાએ રૂ.૧ લાખના બદલામાં માત્ર રૂ.૭૫,૦૦૦/- આપી રોજના રૂ.૧૫૦૦/- પ્રમાણે વ્યાજ નક્કી કરી ત્રણ મહિનામાં રૂ.૧.૩૫ લાખ વસૂલ્યા હતા. બાદમાં તેના સાળા આરોપી સબીર પીંજારા પાસેથી રૂ.૨ લાખ અપાવી રોજના રૂ.૨૦૦૦/- પ્રમાણે વ્યાજ વસૂલતા છ મહિનામાં રૂ.૩.૬૦ લાખ સુધીની રકમ ઉઘરાવવામાં આવી હતી. તેમ છતાં આરોપીઓ દ્વારા વધુ રકમની પઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી અને ફરિયાદી તથા તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. અન્ય આરોપી હેમંત આહીરે રૂ.૨૦,૦૦૦/- ઉંચા વ્યાજે આપીને પરત ચુકવણી બાદ પણ ફરી રૂપિયા માંગતા અને લારીમાંથી માલ ઉપાડી જવાની ધમકી આપી હતી. આ સમગ્ર મામલે સીટી એ ડિવિઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૮૬, ૫૦૪, ૫૦૬(૨) તથા નાણા ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.









