જીલ્લાના ૧૦ પૈકી ૬ ડેમો ૧૦૦ ટકા ભરાઈ ગયા
મોરબી જીલ્લામાં સાર્વત્રિક મેઘમહેર અવિરત ચાલુ હોય ત્યારે સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન ઉપર અસર જોવા મળી છે. જેમાં શહેરી વિસ્તારમાં ઠેર-ઠેર પાણી ભરાવા તથા ટ્રાફિક સમસ્યાને કારણે લોકોને હાલાકી ભોગવવી પડી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસી રહેલા સતત વરસાદને કારણે અનેક નદી નાળા છલકાય તેના પાણી રોડ રસ્તા ઉપર ફરી વળતા આવન જાવન ઉપર રોક લગાવી દેવી પડી હતી.
મોરબી જીલ્લા સહિત રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર રાજ્ય જળમગ્ન થઈ ગયું છે. ત્યારે મોરબી જીલ્લામાં સિંચાઈ વિભાગમાંથી મળતા અલગ અલગ ડેમની આંકડાકીય મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર પાસે આવેલ મચ્છુ-૧ હાલ ૪૩ ટકા ભરાઈ ગયો છે, જ્યારે મચ્છુ-૨ સંપૂર્ણપણે ૧૦૦ ટકા ભરાઈ જતા તેના ૧૨ દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલ મચ્છુ-૩ ડેમ ૬૮ ટકા ભરાઈ ગયો છે ત્યારે હજુ વરસાદના પાણીની સતત આવકને કારણે રૂલ લેવલ મુજબ ડેમના ૮ દરવાજા ખોલવામાં આવ્યા છે.
જ્યારે મોરબી જીલ્લાના ટંકારામાં આવેલ ડેમી-૧ ડેમની સ્થિતિની વેટ કરીયે તો તે ૬૬ ટકા જેટલો ભરાઈ ગયો છે અને ડેમી-૨ડેમ ૧૦૦ ટકા ભરાઈ જતા તેના ૫ જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે તથા ડેમી-૩ ડેમ પણ ૧૦૦ ટકા ભરાઈ ગયો હોય તેના પણ ૬ દરવાજા ખોલવામાં આવ્યા છે. હળવદ પંથકના ડેમની સ્થિતિ વિશે જાણવા મળતી વિગતો અનુસાર બ્રાહ્મણી-૧ ડેમ ૬૧ ટકા અને બ્રાહ્મણી-૨ ૫૬ ટકા સુધી ભરાયા છે. જ્યારે બંગાવડી ડેમ દોઢ ફૂટ સુધી ઓવરફ્લો ચાલુ છે. છેલ્લે ઘોડધ્રોઈ ડેમ ૧૦૦ ટકા ભરાયો છે જેના ૨ દરવાજા ખોલવામાં આવ્યા છે.