મોરબી જિલ્લામાં આપઘાતનાં બનાવો વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે એક જ દિવસમાં ત્રણ આપઘાતનાં બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેને લઈ ખળભળાટ મચી જવા પામ્યો છે.
પ્રથમ બનાવમાં, મોરબીનાં ત્રાજપર ખારી ગામે રહેતા હરેશભાઇ નારણભાઇ સનુરા નામના વ્યક્તિએ ગઈકાલે કોઈ કારણોસર ઘુંટુ ગામની સીમમાં આવેલ રામકો સોસાયટીમા પોતાના બહેનના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેમના કાકા ભરતભાઇ અમરશીભાઇ સનુરા દ્વારા હરેશભાઇનાં મૃતદેહને મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવવામાં આવી છે.
બીજા બનાવમાં, માળીયા મી.નાં બોડકી ગામે રહેતી ભુમીબેન પ્રવિણભાઇ સુવારીયા નામની યુવતીએ ગત તા-૨૧/૦૭/૨૦૨૩ ના સાંજના પાંચ વાગ્યાની આસપાસ પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ખડ બાળવાની દવા પી જતા પ્રથમ સારવાર પીપળીયા ચાર રસ્તા મધુરમ હોસ્પીટલ ત્યારબાદ આયુષ હોસ્પીટલ મોરબી બાદ વધુ સારવારમા લેન્ડમાર્ક હોસ્પીટલ રાજકોટ ખાતે દાખલ કરેલ હતા. જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું ગત તા-૧૪/૦૮/૨૦૨૩ ના મોત નિપજતા તેના મૃતદેહને પી.એમ. રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે સમગ્ર મામલે માળીયા મીં. પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવવામાં આવી છે.
ત્રીજા બનાવમાં, ટંકારાના જોધપર ઝાલા ગામે કિશોરસિંહની વાડીએ રહેતા ભુરેસીંગ પીરૂસીંગ દાવર ગઈકાલે રાત્રીના સમયે વાડીએ હતા. ત્યારે કોઇ કરણસર કોઇ ઝેરી દવા પી જતા પ્રથમ સારવાર પડધરી સરકારી હોસ્પિટલ બાદ બેભાન હાલતમા સરકારી હોસ્પીટલ રાજકોટ ખાતે સારવારમા ખસેડવામાં આવતા રૂમ ઇમરજન્સીના ફરજ પરના ડોક્ટરે જોઇ તપાસી તેઓને મૃત જાહેર કર્યા હતા અને સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી હતી.