મૂળ મોરબીની હાલ રાજકોટ રહેતી બે મહિલાઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધી કાર્યવાહી
મોરબી શહેરના નાની કેનાલ રોડ પર રહેતા યુવકની ફરીયાદના આધારે દીકરાને મળવા દેવાના વિવાદમાં તેમની પૂર્વ પત્ની અને સાસુએ યુવક તથા તેના માતા-પિતા સાથે બોલાચાલી, મારામારી, ગાળો-ધમકી અને લાકડી વડે હુમલો કરવા બાબતે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે બન્ને આરોપી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગત મુજબ, મોરબીના સી/૧૦૧ સનરાઈઝ વિલા નાની કેનાલ રોડ ખાતે રહેતા ધીરેનભાઈ ભૂદરભાઈ માકાસણા ઉવ.૩૬ દ્વારા મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદ મુજબ તેમના છૂટાછેડા લીધેલા પત્ની નિશાબેન રાજેશભાઈ દફ્તરી અને સાસુ રાજેશ્રીબેન રાજેશભાઈ દફ્તરી રહે. મોરબી અરૂણોદયનગર જૈન દેરાસરની સામે વાળા દ્વારા ઘરે આવી તેમની તથા તેમના પરિવારજનો સાથે બોલાચાલી, ગાળો-ધમકી અને મારામારી કરાયેલ હતી. ધીરેનભાઈની પત્ની નિશાબેન સાથે ઓળખાણને પગલે ૨૦૧૯માં કોર્ટ મેરેજ અને પછી પરિવારની સહમતીથી હિંદુ વિધી મુજબ લગ્ન થયા હતા. લગ્ન જીવનમાં પ્રથમ ચાર વર્ષ શાંતિપૂર્ણ રહ્યા હતા અને તેમને પક્ષાલ નામનો દીકરો થયો હતો. બાદમાં નિશાબેનના અન્ય વ્યક્તિ સાથેના સંબંધો હોવાની શંકાએ ઝઘડા શરૂ થયા અને અંતે વર્ષ ૨૦૨૪માં બન્નેએ છૂટાછેડા લીધા હતા. કોર્ટના હુકમ મુજબ દીકરાનો કબ્જો ફરીયાદી ધીરેનભાઈને મળ્યો હતો. દીકરાને મળવા મુદ્દે અગાઉ પણ પત્ની દ્વારા રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન, યુનિવર્સિટી પોલીસ સ્ટેશન તેમજ કોર્ટમાં ઘણા કેસો નોંધાયા હતા. તે દરમિયાન મૈત્રી કરાર થયા બાદ થોડો સમય દંપતિ ફરી ભેગા રહ્યા પણ પછીથી ફરી નિશાબેનના જૂના પ્રેમીના સંબંધોને કારણે ઝઘડા વધી ગયા હતા.
આ દરમિયાન આજથી એક માસ પહેલા તા.૨૬/૧૦/૨૦૨૫ના રોજ આરોપી નીશાબેન અને તેની માતા મોરબીના કંડલા બાયપાસ પાસે દીકરાને મળી હતી તે દરમીયાન આરોપી નિશાબેન સાથે થયેલી બોલાચાલી બાદ તે અને તેની માતા રાજેશ્રીબેન ફરીયાદીના ઘેર આવી ગાળો-ધમકી આપી ઝગડો કર્યો હતો. લાકડી વડે કાર પર ઘા મારી ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો. ઝપાઝપીમાં આરોપી નિશાબેન નીચે પડી જતાં વધુ ઉશ્કેરાઈ ફરીયાદીના પિતા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બંને મહિલાઓ દ્વારા ફરીયાદી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. હાલ મોરબી એ ડિવિઝન પોલીસે બન્ને મહિલા આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે









