કારમાં આવેલ કુટુંબી ભત્રીજાએ ઘર પાસે પાર્ક કરેલ બે બાઇકને ટક્કર મારી કાકાને હાથ ઉપર તલવાર મારી
મોરબીના નવલખી રોડ ઉપર લાયન્સનગર સામે શેરીમાં આવેલ રહેણાંકે કુટુંબીક ભાઈઓએ આવી દાદીમા સાથે મીઠાના કારખાનામાં ભાગ રાખવા બાબતે ભાઈ તથા કાકા સાથે બોલાચાલી કરી ઢીકા પાટુનો માર માર્યો હતો, જે બાદ કુટુંબીક ભત્રીજો પોતાની કાર લઈને આવી રહેણાંક બહાર પાર્ક કરેલ બે બાઇકને ટક્કર મારી તેમાં નુકસાન કર્યું હતું અને તલવારથી કુટુંબીક કાકાના હાથમાં એક ઘા મારતા ત્રણ આંગળીમાં ઇજાઓ પહોંચાડી હતી, હાલ ભોગ બનનાર દ્વારા પોલીસ સમક્ષ આરોપી કુટુંબી ભાઈઓ તથા ભત્રીજાઓ એમ ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર મોરબી નવલખી રોડ લાયન્સનગર આરકલી સોસાયટીની સામેની શેરીમાં રહેતા દેવેન્દ્રભાઈ મોહનભાઇ પરમાર ઉવ.૩૦એ બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી પ્રવીણભાઈ દુદાભાઈ પરમાર, ભરતભાઇ દુદાભાઈ પરમાર, અમુભાઈ મોતીભાઈ પરમાર તથા જયેશ અમુભાઈ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરીયાદી દેવેન્દ્રભાઈના નાનાભાઇ પ્રકાશે તેમના કુટુંબી દાદી રાજુમા સાથે મીઠાના કારખાનામાં ભાગ રાખતા તેમના મોટાબાપુને દીકરાઓને એટલે કે ફરિયાદીના કુટુંબી ભાઈઓને આ બાબતે સારૂ ન લાગતા ગત તા.૨૭/૧૧ના રોજ આરોપી પ્રવીણભાઈ, ભરતભાઇ અને અમુભાઈ ઉપરોક્ત રહેણાંકે આવી દેવેન્દ્રભાઈ તથા તેમના પપ્પા તથા ભાઇ સાથે ગાળા ગાળી તથા ઝપાઝપી કરી હતી. જે બાદ આરોપી જયેશભાઇ તેની પાસેની એસ પ્રેસો ગાડી રજી.નં.જીજે-૩૬-એલ-૮૬૫૭ વાળી કાર લઈને આવી ફરીયાદીના પાર્ક કરેલ બે મોટર સાયકલને ટક્કર મારી નુક્શાન કર્યું હતું, આ સાથે કારમાંથી તલવાર લઈને ઉતરેલ આરોપી જયેશભાઈએ ફરીયાદીને જમણા હાથની આંગળીઓ પર તલવારથી ઇજા પહોંચાડી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી હતી જે મુજબની ફરિયાદ નોંધાવવામાં આવી છે.