મોરબીમાં વ્યાજખોરોએ તમામ હદ વટાવી હોય તેવી રીતે રવાપર ગામના ખેડૂતને વ્યાજખોરોએ 30 ટકે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરી અપહરણ કર્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આરોપીઓ દ્વારા ખેડૂતને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતા અંતે ખેડૂતે પોલીસનો સહારો લીધો છે.
બનાવની મળતી માહિતી અનુસાર, મોરબીના રવાપર ગામના ખેડૂત સુનિલ ધનજીભાઇ શેરસીયાએ અગાઉ પૈસાની જરૂર હોવાથી માલદે આહિર નામના શખ્સ પાસેથી જેતે સમયે 1 લાખ રૂપિયા ૩૦ ટકા વ્યાજે લીધેલ હતા. જેનાં ખેડૂતે અત્યારસુધીમાં 10 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરે સંતોષ ન માની ખેડૂત પાસેથી 17 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી હતી અને ખેડૂતનું અપહરણ કર્યું હતું. જેમાં માલદે આહિર, લાલા બોરીચા, પ્રકાશ નરભેરામભાઇ ભુત અને પોપટભાઇ નામના આરોપીઓએ ખેડૂતને કાળા કલરની વર્ના કારમા બગથળા ગામેથી ઉપાડી લઈ ઉમિયા સર્કલ ખાતે લઈ ગયા હતા. જ્યાં આરોપીઓ ખેડૂત પર લાકડાના ધોકા સાથે તૂટી પડ્યા હતા. અને મુંઢ માર માર્યો હતો. જે બાદ આરોપીઓ ખેડૂતને તેના ઘરે લઈ ગયા હતા અને ઘરેથી રૂપિયા લઇ આવ નહિતર જાનથી મારી નાખશુ તેવી ધમકી આપી હતી. જે બાદ આરોપીઓ ખેડૂતને ત્યાં ઉતારી નીકળી ગયા હતા. જે સમગ્ર ઘટના અંગે ખેડૂતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અને પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ IPC કલમ ૩૨૩, ૩૬૪(એ), ૩૮૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા ગુજરાત નાણા ધીરધાર અધીનીયમ -૨૦૧૧ની કલમ ૫, ૩૩(૩), ૪૦, ૪૨ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.