હાઇસ્કૂલમાં ૨૦૬ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો
મોરબી જિલ્લામાં સરકારી શાળામાં શિક્ષણની ગુણવત્તાને પગલે વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે. કોરોના કાળમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો ખાનગી શાળામાં ફી ભરવાના બોજ તળે દબાયા હોય જેથી સરકારી શાળામાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી રહ્યા છે. હાલ ૧૪૫૨ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાને બાયબાય કરી દીધું છે. અને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.
મોરબી જિલ્લામાં નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભમાં ૧૪૫ર વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. જિલ્લામાં સૌથી વધુ ૮૬૧ મોરબી તાલુકામાં નોંધાયા છે. મોરબી શહેર અને તાલુકામાં ખાનગી શાળાઓની સંખ્યા વધુ છે. તેમાં મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ કરતા હતા હવે શાળાઓ બંધ હોવાથી વાલીઓ તેમના બાળકોને સરકારી શાળામાં મૂકી રહ્યા છે. મોરબી સિવાય અન્ય તાલુકાની વાત કરીએ તો વાંકાનેરનાં ૨૩૬, હળવદનાં ૧૯૬, ટંકારાનાં ૯૯, માળિયાનાં ૬૦ બાળકોનો સમાવેશ થાય છે. જિલ્લામાં હજુ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. જેથી આ સંખ્યામાં હજુ પણ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે.
ધોરણ અનુસાર જોઈએ તો ધોરણ ૨ માં ૧૭૬, ધોરણ ૩ માં ૨૪૧, ધોરાણ ૪ માં ૨૦૯, ધોરણ ૫ માં ૨૨૫, ધોરણ ૬ માં ૨૫૫, ધોરણ ૭ માં ૧૮૨, ધોરણ ૮ માં ૧૬૪ છાત્રોએ ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. જ્યારે મોરબી જિલ્લા પ્રાથમિક ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પણ ૨૦૬ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. જેમાં ધોરણ ૯ માં ૧૬૪, ધોરણ ૧૦ માં ૨૬, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૬ વિદ્યાર્થીઓ મળીને કુલ ૨૦૬ વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યા છે.