મોરબીમાં અસામાજિક તત્વોનાં આતંકનાં બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે વધુ એક અપહરણની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેમાં કારખાનેદારે મજૂરને તેની મજૂરીના અગાઉ દેવાના નીકળતા દોઢ લાખ રૂપીયા ન ચુકવતા મજુરે તેના સાગરીતો સાથે મળી કારખાનેદારનું અપહરણ કરી તેના પાર્ટનર પાસેથી 5 લાખ રૂપિયા વસૂલ્યા હતા.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં ગુંજન હાઇટસ, લીલાપર કેનાલ રોડ ખાતે રહેતા જીજ્ઞેશભાઇ મહાદેવભાઇ ભટ્ટાસણા નામના વેપારીને ત્યાં મનોજ ઉર્ફે ટાપન હરીહર બેહરા (રહે. સોમનાથપુર, રેમુના (N.A.C.) બાલેશ્વર, ઓરીસ્સા) મજૂરી કામ કરતો હતો. જેને ફરિયાદી જીજ્ઞેશભાઇ પાસેથી મજુરી કામના દોઢ લાખ રૂપીયા લેવાના હોય જે ફરિયાદીએ આપવામાં મોડું કરતા આરોપી મજુર મનોજ ઉર્ફે ટાપને ફરિયાદીનું તેના સાગરીતો પવન ખુમસિંગ મજરા (રહે. પટેલપુરા, સારસગાંવ, કોઠાડા, ધાર, મધ્યપ્રદેશ), રાજકુમાર નામનો માણસ તથા ઇકો ગાડીના ડ્રાઇવર સાથે મળી અપહરણ કરી, ઇકો ગાડીમાં બેસાડી દોઢ લાખ રૂપીયા લેવાના હોય જેના બદલામાં ફરીયાદી પાસેથી રૂપીયા.૫,૦૦,૦૦૦ ની ખંડણી માંગી, નહી આપે તો ફરીયાદીને છરીથી મોતનો ભય બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી, ફરીયાદીને માંડલ, હળવદ, ધ્રાંગધ્રા, સાણંદ, સરખેજ, અમદાવાદ થઇ ભાવડા સર્કલ તરફ લઇ જઇ, આરોપીઓએ માંગેલ ખંડણીના રૂપીયા ૫,૦૦,૦૦૦/- ફરીયાદીના પાર્ટનર વિશાલભાઇ મારફતે ફરીયાદીએ, આરોપીઓએ બતાવેલ જગ્યાએ મોકલાવેલ જે રૂપીયા જયંતાકુમાર હરીહર બહેરા (રહે. સોમનાથપુર, રેમુના (N.A.C.) બાલેશ્વર, ઓરીસ્સા)એ આવી વિશાલભાઇ પાસેથી ખંડણીના નાણા વસુલ કરી લઇ જતા રૂપીયા મળી ગયેલાનુ આરોપીઓએ વેરીફાઇ કરી, ફરીયાદીને ભાવડા સર્કલ પાસે ઉતારી નાશી જતા સમગ્ર મામલે જીજ્ઞેશભાઇએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.