મોરબીમાં વિવિધ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ત્યારે ગઈકાલે રાત્રે મનપા કમિશનર અને અધિકારીઓએ શહેરના અનેક વિસ્તારોમાં જઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું અને જરૂરી સૂચનો આપ્યા હતા. શહેરના જેલ રોડ, નાની કેનાલ રોડ, છોટાલાલ પંપ પાસેથી લઈ હાઉસિંગ બોર્ડ અને બસ સ્ટેન્ડ સુધી તપાસ હાથ ધરાઈ હતી.
મોરબી શહેરમાં હાલ રસ્તા, લાઇટ અને સફાઈ જેવી વિવિધ કામગીરીઓ ઝડપથી કરવામાં આવી રહી છે, ત્યારે શહેરના વિકાસકાર્યને હકીકતમાં જોવા માટે મહાનગરપાલિકા કમિશનર પોતે રાત્રે શહેરના વિવિધ સ્થળોની જાત તપાસ અને નિરીક્ષણ માટે નીકળ્યા હતા. ગઈકાલે તા. ૧૪ જુલાઈ રાત્રિના સમયે જેલ રોડ પર મ્યુનિસિપલ કમિશનર તથા ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓની ટીમે સ્થળ પર જઈ રોડ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓએ સ્થળ પર હાજર તંત્રના કર્મચારીઓ સાથે ચર્ચા કરી અને કાર્યમાં ઝડપ લાવવાના સૂચનો આપ્યા હતા. ત્યાંથી આગળ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં પહોંચી સ્થાનિકો સાથે સીધી વાતચીત કરી તેમની સમસ્યાઓ પણ સાંભળી. રાત્રિના સમયે નાની કેનાલ રોડ અને છોટાલાલ પેટ્રોલ પંપ નજીક લાઈટની કામગીરી પણ ચકાસવામાં આવી હતી. મનપા કમિશનરે બસ સ્ટેન્ડ સામે સફાઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું અને સફાઈ કામદારો સાથે વાતચીત કરીને વિગતો મેળવી હતી.
મોરબી શહેરમાં રાત્રી દરમિયાન તંત્રની કામગીરીનું નિરાક્ષણ કરવા નીકળેલ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે, “શહેરમાં વિવિધ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. લોકો કોઈ પણ પ્રશ્ન માટે સીધી અમને રજુઆત કરે, અમે ચોક્કસ તેનો યોગ્ય ઉકેલ લાવશું.”