મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાકડધાર ગામ પાસે સિરામિક યુનિટમાં લેબર ક્વાર્ટરમાં બે યુવાનો મજાક મસ્તી કરી રહ્યા હતા. દરમિયાન બંને સીડી ઉપરથી નીચે પડી જતા તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સારવાર દરમિયાન એક યુવકનું મોત નીપજ્યું હતું. જયારે એક યુવકની હજુ સારવાર ચાલી રહી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકાના લાકડધાર ગામ પાસે વાંકાનેર હાઇવે ઉપર આવેલા બ્રાવેટો ગ્રેનાઇટો નામના યુનિટના લેબર ક્વાર્ટરમાં રહેતા બબલુભાઈ જગદીશભાઈ અને નીરજ વિજયભાઈ ડામોર નામના બે મજુર યુવાનો મજાક મસ્તી કરી રહ્યા હતા. ત્યારે વરસાદી માહોલ હોવાના કારણે સીડી ભીની હતી. જેના કારણે યુવકોના પગ લપસી જતા બંને નીચે પછડાયા હતા. જેના કારણે બંને યુવકો ગંભીર રીતે ઘવાયા હતા. જેથી તેઓને સારવાર અર્થે મોરબી ક્રિષ્ના હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી નીરજ ડામોરને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યારે બબલુભાઈ જગદીશભાઈને વધુ ઈજા થયેલ હોય રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. ત્યારે શિવમ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલ નીરજ વિજયભાઇ ડામોરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.