સગીર દ્વારા બેફામ સ્પીડમાં બાઇક ચલાવી અચાનક બ્રેક મારતા ફંગોળાઈ રોડ ઉપર પટકાતા મોત
મોરબી શહેરમાં હાલ વાલીઓ પોતાના બાળકો ૧૮ વર્ષના ન થાય હોય ત્યાં તેમને વાહન ચલાવવા આપી દેતા હોય ત્યારે સગીર દ્વારા વાહન ચલાવતા સમયે કાચી ઉમર તથા ઓછી સમજણ શક્તિને કારણે પોતાના વાહન પુર ઝડપે ચલાવતા હોય છે અને અકસ્માત કરી બેસતા હોય જેમાં તેઓ ખુદને નહીં તો અન્ય નિર્દોષ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ યા તો મૃત્યુ જેવી ઘટના બનવા પામતી હોય છે, ત્યારે આવો જ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેમાં ૧૭ વર્ષીય સગીર પુરઝડપે અને રોડ ઉપર કાવા મારી ગફલતભરી રીતે પોતાના હવાલવાળું બાઇક ચલાવી પોતાના સગીર મિત્ર સાથે નીકળ્યો હતો, ત્યારે રોડ ઉપર ઓવરટેક કરવા જતા ફૂલ સ્પીડને કારણે સગીર બાઇક ચાલકે બાઇક ઉપર કાબુ ગુમાવતા જોરદાર બ્રેક મારી હતી, જેને લઈને સગીર બાઇક ચાલક સહિત બંને રોડ ઉપર પટકાતા બાઇક ચાલક સગીરને માથામાં ઇજા પહોંચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે પાછળ બેસેલ સગીરને પગમાં ફ્રેકચર જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી.
અકસ્માતમાં મોતના બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા ગોપાલભાઈ અશોકભાઈ દલસાણીયા ઉવ.૧૭ એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પોતાના સગીર મિત્ર બાદલભાઈ સુરેશભાઈ બારૈયા ઉવ.૧૭ રહે.પ્રજાપત રોડ વીસીપરા ખારી કેન્દ્રની બાજુવાળાની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૨૬/૧૦ના રોજ ગોપાલભાઈ પોતાના મિત્ર આરોપી બાદલભાઈ સાથે બાઇકની પાછળ બેસી પોતાના વીસીપરા સ્થિત ઘરેથી મચ્છી-પીઠ ખાતે મચ્છી લેવા જતા હોય તે દરમીયા સગીર બદલભાઈએ પોતાના હવાલવાળું બાઇક પુરઝડપે અને બેદરકારીપૂર્વક સર્પાકાર ચલાવી જતો હોય ત્યારે રેલ્વે-સ્ટેશન નજીક વ્યાયામ-શાળા પાસે આગળ જઈ રહેલ કારનો ઓવરટેક કરવા જતા સગીર બદલભાઈએ પોતાના બાઇક ઉપર કાબુ ગુમાવતા બાઇકમાં જોરદાર બ્રેક લગાવી હતી જેને કારણે બાઇક ચાલક સગીર બાદલભાઈ અને બાઇક પાછળ બેઠેલ ગોપાલભાઈ બંને હવામાં ફંગોળાઈ રોડ ઉપર પટકાયા હતા, જેમાં બાઇક ચાલક બાદલભાઈને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ ઉપર તેનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે ગોપાલભાઈને પગમાં ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચી હતી, હાલ સમગ્ર અકસ્માત અંગેની ફરિયાદને આધારે પોલીસે મૃતક સગીર બાઇક ચાલક બાદલભાઈ સામે ગુનો નોંધી જરૂરી તપાસ ચલાવી છે.