કારીગર પોતાની કળા નો ઉપયોગ સારી જગ્યાએ કરે તો એ કલા કારગત નીવડી શકે છે. પણ અહી કઈક ઉલટું થયું છે. મોરબીના નહેરુ ગેઇટ ખાતે આવેલ સોના ચાંદીના દાગીનાની દુકાનમાં બે ભેજાબાજ મહિલાઓએ સોનાની બુટી દેખાડવાનું કહી વેપારીની નાકની નીચેથી અઢી લાખની કિંમતનું 10 સોનાની બુટી ભરેલું બોક્સ ઉપાડી જતા સમગ્ર મામલે મોરબી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેને પગલે પોલીસે મહિલા આરોપીઓને ઝડપી પાડી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના રવાપર ઘુનડા રોડ પર શ્રીજી હાઈટ્સ બ્લોક નં 103માં રહેતા હાર્દિક ધીરેન્દ્રભાઈ રવેશિયા અને તેમના કાકા અલ્કેશભાઈ રવેશિયા મોરબીના નહેરુ ગેઇટ અંદર સોની બજારમાં આવેલ અંબાજી જવેલર્સ નામની સોના ચાંદીના દાગીનાની દુકાન ચલાવે છે. ગત તા.15ના રોજ તેમની સાથે એક એવો બનાવ બન્યો હતો. જેને લઈ તેઓ હાફળા ફફળા બની ગયા હતા. બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.એ. જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હાર્દિક તથા તેમના કાકા અલ્કેશભાઈ ગત તા.15ના રોજ પોતાની દુકાને હતા. ત્યારે બે મહિલાઓએ દુકાને ધસી આવી સોનાની બુટી ખરીદવાનું તેઓને જણાવ્યું હતું. જેને લઇ વેપારી એ સોનાની બુટીનું આખું બોક્સ લઇ તેઓને બતાવ્યું હતું. પરંતુ ત્યારે મહિલાઓએ આમાંથી કોઈ પસંદ નથી આવતી તેવું કહી ત્યાંથી જતી રહી હતી. જેના થોડા સમય બાદ વેપારીને કાઉન્ટર પર રાખેલું 10 સોનાની બુટી ભરેલું અઢી લાખની કિંમતનું બોક્સ ન દેખાતા તેઓ ચિંતામાં મુકાયા હતા. અને આ બોક્સ ગયું ક્યાં તે તપાસવા તેઓએ તેમની દુકાનમાં રહેલ સીસીટીવી તપસ્યા હતા. ત્યારે તેઓએ સીસીટીવીમાં જોયું હતું કે, બન્ને મહિલાઓ ચોરી છુપીથી અઢી લાખની કિંમતનું 10 સોનાની બુટી ભરેલું બોક્સ છુપાડી પોતાની સાથે લઇ ગઈ હતી. જેને લઈ હાર્દિક ધીરેન્દ્રભાઈ રવેશિયાએ ચોરીની સમગ્ર ઘટનાને લઇ સીસીટીવી સાથે મોરબી સીટી એ ડિવિજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ચોરી અંગેની ફરિયાદ નોંધતાની સાથે જ મોરબી સીટી એ ડિવિજન પોલીસની ટીમ હરકતમાં આવી હતી અને પોલીસે આ દુકાનના સીસીટીવી ફૂટેજમાં દેખાતી બન્ને મહિલાઓને પકડવા પોતાના બાતમીદારોને દોડતા કરી દીધા હતા. ત્યારે પોલીસે આ બંને મહિલાઓની ભાળ મેળવી સઘન તપાસ કરતા બન્ને મહિલા દરબાર ગઢ પાસે જ આંટા મારતી હોવાની બાતમી મળી હતી. જેને આધારે પોલીસે ત્યાં જઈને આરોપી મહિલા હળવદના ભવાની ઢોરા, રામાપીરના ચોક પાછળ રહેતી રજીયાબેન મયુદિન ખલીફા અને હળવદની સાંદિપની સ્કૂલ પાછળ રહેતી મુસ્કાનબેન ઇલમદિન ઉર્ફે બાબુભાઈ ખલીફાને તમામ ચોરાઉ ઘરેણાં સાથે ઝડપી લઈ અગાઉ અન્ય કોઈ ચોરી કરી કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે.