પત્નીને છોડાવવા વચ્ચે પડેલ બે દીકરાઓને પણ માર માર્યો સહિતની ફરિયાદ નોંધાઈ.
હળવદ તાલુકાના રાતાભેર ગામે માતાજીના માંડવામાં આવેલ મૂળ રાતાભેર ગામના વતની અને હાલ ભોપાલ (મધ્યપ્રદેશ) ખાતે રહેતી મહિલાએ પતિના કુટુંબીજનો પાસે પતિને અન્ય સ્ત્રી સાથેના લફડાની વાત કરતા જેનો ખાર રાખી મહિલાને તેના પતિ, જેઠ અને જેઠાણીએ બોલાચાલી કરી લોખંડના પાઇપથી માર મારી માથામાં ગંભીર ઇજા પહોંચાડી હતી, તેમજ વચ્ચે છોડાવવા આવેલ પોતાના બંને દીકરાઓને પણ મૂંઢમાર માર્યો હતો, ત્યારે સમગ્ર બનાવ અંગે ભોગ બનનાર મહિલાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ હળવદના રાતાભેર ગામના વતની હાલ મધ્યપ્રદેશના ભોપાલ શહેરમાં રહેતા જયોતિબેન રાજુભાઇ મનસુખભાઇ ઉઘરેજા ઉવ. ૩૮ એ હળવદ પોલીસ મથકમાં આરોપી રાજુભાઇ મનસુખભાઇ ઉઘરેજા, ચંદુભાઈ મનસુખભાઇ ઉઘરેજા રહે. બન્ને હાલ રહે. મધ્યપ્રદેશ ઇન્દોર જવાહર કોલોની મૂળ રાતાભેર તા.હળવદ તથા આરોપી સુનિતાબેન નટુભાઈ ઉઘરેજા હાલ રહે.દિલ્હી બેગમપુર મૂળ રાયસંગપર તા.હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, તારીખ ૧૮ થી ૨૦ મે ૨૦૨૫ દરમિયાન હળવદ તાલુકાના રાતાભેર ગામે તેમના કાકાજી-સસરાના ઘેર માતાજીનો માંડવો હતો, આ પ્રસંગમાં ફરિયાદી જ્યોતિબેન પોતાના બે પુત્રો આકાશ ઉવ. ૧૭ અને અનિકેત ઉવ.૧૫ સાથે આવ્યા હતા, જયારે તેમના પતિ અને મોટો પુત્ર અભિષેક ઉવ. ૧૯ અગાઉથી આવી ગયા હતા.
આ દરમિયાન તા.૨૦ મે ૨૦૨૫ના રોજ જ્યોતિબેનના પતિ રાજુભાઈને કોઇ સ્ત્રી સાથે લફરૂ હોય જે વાત જ્યોતિબેને રાતાભેર ગામે માતાજીના માંડવામા કરતા, જે બાબતે જ્યોતિબેનના પતિ, જેઠ તથા જેઠાણીએ જ્યોતિબેન સાથે બોલાચાલી ઝઘડો કરી ભુડાબોલી ગાળો આપી હતી, જ્યારે તેમના જેઠ આરોપી ચંદુભાઈએ જ્યોતિબેનને માથાના ભાગે લોખંડનો પાઇપ મારી માથાના ભાગે ઇજા કરી આ દરમિયાન તેમબ પતિ અને જેઠાણીએ જ્યોતિબેનના પુત્રો આકાશ તથા અનિકેતને ઢીકાપાટુનો મુઢ માર મારી શરીરે સામાન્ય મુઢ ઇજા પહોચાડી હતી, હાલ જ્યોતિબેનની ફરિયાદને આધારે હળવદ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે