વાંકાનેર તાલુકાના સાતાપર ગામે ખેડૂતની ખેતીની જમીનમાં ૧૦થી વધુ શખ્સોએ મંડળી બનાવી પથ્થરમારો કરી દરવાજો તોડી, ખેતરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી, ખેડૂત તથા પરિવારના સભ્યો સાથે ગાળાગાળી કરી, જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. અને આશરે ૧૨ વીધાના કપાસનો પાક બગાડી ખેડૂતને અંદાજે રૂ.૪ લાખનું નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારે સમગ્ર બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદી કિશનભાઈ માધાભાઈ રંગપરા ઉવ.૨૫ રહે. અદેપર તા. વાંકાનેર વાળાએ આરોપી (૧)હિરાભાઇ રતાભાઇ, (૨)રસીકભાઇ નાગજીભાઇ, (૩)અજયભાઇ વાલાભાઇ, (૪)સનાભાઇ લવાભાઇ, (૫)કરશનભાઇ લખમણભાઇ,(૬)મનાભાઇ પુજાભાઇ, (૭)કનાભાઇ સોમાભાઇ, (૮)માલાભાઇ લખમણભાઇ, (૯)રાજુભાઇ ખીમાભાઇ, (૧૦)સંજયભાઇ વાલાભાઇ બધા રહે.સતાપર તથા બીજા અજાણ્યા માણસો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તા. ૦૪ ઓગસ્ટના રોજ સવારે ૧૧ વાગ્યાથી ૨૧/૦૮ના રાત્રીના ૧૨ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ફરીયાદીના કબ્જા ભોગવટા વાળી ખેતીની જમીનમા ઉપરોક્ત તમામ આરોપીઓએ ગેર કાયદેસર મંડળી રચી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા માટે અલગ અલગ સમયે ખેતરમાં પ્રવેશ કરી પથ્થર મારો કરી ખેતરના પ્રવેશવાનો દરવાજો તોડી નાખી, ફરીયાદી તથા તેમના ઘરના સભ્યો ખેતરમા કામ કરતા હોય ત્યારે ચારેબાજુથી ઘેરી વળી તમામ સભ્યોને ખેતરમાથી બહાર કાઢી મુકી, અલગ અલગ સમયે ફરીયાદીના ખેતીની જમીનમા આશરે ૧૨ વીધાના કપાસના ઉભા પાકને કાઢી નાખી, આશરે રૂ.૪,૦૦,૦૦૦/- જેટલુ નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ વાંકાનેર તાલુકા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુણ9 નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.