મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ગઈકાલે બાતમીનાં આધારે બે રહેણાંક મકાનોમાં રેઈડ કરી હતી. અને મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠીની દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવાની ઝુંબેશ અંતર્ગત 16 હજારથી વધુનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. તેમજ એક આરોપીની અટકાયત કરી હતી. જયારે અન્ય એક આરોપી ફરાર થઇ જતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રથમ દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, એભલભાઈ ખેંગારભાઈ ડાંગર નામનો શખ્સ રવાપર ગામ શીવ શક્તિ સોસાયટી ખાતે આવેલ પોતાના રહેણાંક મકાને વિદેશી દારૂનો સાંતળી રાખી ચોરી છુપીથી તેનું વેચાણ કરે છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડોલ્સ નં.૧ની કુલ રૂ.૧૨૦૦૦/-ની કિંમતની ૩૨ બોટલો પકડી પાડી હતી. તેમજ આરોપી એભલભાઈ ખેંગારભાઈ ડાંગર (રહે રવાપર ગામ શીવ શક્તિ સોસાયટી તા.જી.મોરબી મુળ રહે મોટી બરાર તા.માળીયા જી મોરબી) સ્થળ પર હાજર મળી આવતા તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજા બનાવમાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, હિતેષ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઈ ધોળકીયા વિદેશી દારૂનો જથ્થો મંગાવી પોતાના નવા ડેલા રોડ ખાતે રહેણાંક મકાને રાખી તેનું વેચાણ કરે છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી રહેણાક મકાનમા ગેર કાયદેસર રીતે વેચાણ કરવાના ઇરાદે રાખેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડોલ્સ નં.૧ ની ૧૨ બોટલોનો કુલ રૂ.૪૫૦૦/-નો મુદામાલ કબ્જે કર્યો છે. જયારે આરોપી હિતેષ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઈ ધોળકીયા સ્થળ પર હાજર નહિ મળી આવતા તેની શોધખોળ હાથ ધરી છે.