મોરબીમાં યુવકે તેની માતા પાસે રૂપિયાની માંગણી કરતા માતાએ રૂપિયા ન આપતા ઉશ્કેરાયેલા કપૂતે માતા સાથે હાથાપાઈ કરી માતાનું લોખંડના દસતા વડે માથું ફોડી નાખતા ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તેમજ સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ગુન્હો નોંધી કપૂતની અટકાયત કરી છે.
મળતી માહિતી અનુસાર, દરબાર વાસ જુની PGVCL ઓફીસ પાસે દરબાર શેરી શકત શનાળા ગામ ખાતે રહેતા રંજનબા પ્રવીણસિંહ જાડેજા ગઈકાલે પોતાનાં ઘરે હતા ત્યારે તેના પુત્ર ભગીરથસિંહ પ્રવીણસિંહ જાડેજાએ તેની પાસે રૂપીયા માંગતા તે રૂપીયા રંજનબા એ આપવાની ના પાડતા પુત્રે એકદમ ઉશ્કેરાઇ જઇ તેની માતાને જેમ ફાવે ગાળો બોલી લોખંડના દસતા વડે માથાના ભાગે તથા ડાબા હાથમાં ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી તથા શરીરે હાથ વડે માર મારી મુંઢ ઇજાઓ પહોંચાડી હતી જેના કારણે મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. તેમજ સમગ્ર મામલે મહિલાનાં પતિ દ્વારા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવવામાં આવ્યો હતો. ત્યારે ફરિયાદને પગલે પોલિસે ગણતરીની કલાકોમાં આરોપીની અટક કરી હતી.