હળવદ પંથકના શીવપુર ગામે એક શેઢે આવેલ વડીલો પાર્જીત ખેતરની જમીન બાબતે સામાન્ય બોલાચાલી થયા બાદ નાનાભાઈએ તેના સગા મોટાભાઈને ખેતીના ઓજાર ખંપારી મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે ઇજાગ્રસ્ત મોટાભાઈએ હળવદ પોલીસ મથકમાં નાનાભાઈ સામે ફરિયાદ નોંધાવી છે.
હળવદ તાલુકાના શીવપુર ગામે રહેતા નારણભાઇ શિવાભાઈ ફુલતરીયા ઉવ.૫૯ ગઈકાલ તા.૦૨/૧૧ના રોજ સવારે ચોથળુ તરીકે ઓળખાતી સીમમાં આવેલ પોતાના વડીલો પાર્જીત ખેતરે આંટો મારવા ગયા હતા ત્યારે તેમના ખેતરની બાજુમાં તેમના નાનાભાઈ હસમુખભાઈ શિવાભાઈ ફુલતરીયાની વાડી આવેલ હોય તેઓ પણ ત્યાં આંટો મારવા આવ્યા હોય તે દરમિયાન નાનાભાઈએ ફરીયાદી નારણભાઇ સાથે શેઢા બાબતે બોલાચાલી કરી એકદમ ઉશ્કેરાઈને પોતાબ હાથમાં રહેલ ખંપારીનો ફરિયાદી નારણભાઇ હાથમાં એક ઘા મારી દીધો અને જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યો ગયો હતો. જે બાદ નારણભાઇને તેમના દીકરા અને ખેતરમાં કામ કરતા શ્રમિક હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. ત્યારે હાલ નારણભાઇએ હળવદ પોલીસ મથકમાં પોતાના સગા નાનાભાઈ એવા આરોપી હસમુખભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









