હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.ગુજરાતના અમુક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.જેને પગલે મોરબી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. અને ટંકારા તાલુકામાં વરસાદનું આગમન થયું હતું. જયારે વાંકાનેરમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાએ હેત વરસાવ્યું હતું.
11 જૂને ગુજરાત પહોંચેલું ચોમાસું નબળું પડ્યું છે. તે દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થઇ રહ્યો છે. તો ચોમાસુ ગુજરાતમાં વિધીવત એન્ટ્રી થઈ ચૂકી છે. ત્યારે વાંકાનેરમાં પણ અસહ્ય બફારા બાદ આજે બીજા દિવસે પણ સાંજના સમયે મેઘરાજાનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જયારે ટંકારા તાલુકામાં પણ વરસાદનું આગમન થયું છે. ટંકારા તાલુકાના ખાખરા ગામ આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું છે. ત્યારે વરસાદી ઝાપટું પડતાં આસપાસના વિસ્તારોમાં ઠંડક પ્રસરી જવા પામી છે. ધીમીધારે મેઘરાજએ હેત વરસાવતા લોકોને પણ મહદઅંશે ગરમીથી રાહત મળી હતી. તેમજ સીઝનનો પ્રથમ વરસાદ પડતાં જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે.