મોરબી જિલ્લાના ટંકારામાં અનેક વિસ્તારોમાં ભરાયેલા પાણીનો નિકાલ કરી ત્યાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે સાફ સફાઈ કરી દવા છંટકાવ તેમજ ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી દ્વારા જિલ્લાની નગરપાલિકાઓમાં વરસાદ બાદ તાત્કાલિક ધોરણે ભરાયેલા પાણીનો નિકાલ થાય, એ વિસ્તારોમાં યોગ્ય સાફ-સફાઈ કરવામાં આવે, લોકોની અવરજવર માટે ધોવાયેલ શેરીઓ તેમજ રસ્તાઓનું સમારકામ કરવામાં આવે તથા લોકોના આરોગ્ય માટે આ શેરીઓ તેમજ રસ્તાઓ પર સાફ – સફાઈ અને દવા છંટકાવ સહિતની કામગીરી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા પણ વરસાદ બાદ હાલ આ કામગીરીઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે ત્યારે મોરબી જિલ્લામાં નગરપાલિકાઓ મુજબ ટીમ્સની રચના કરી કામગીરી કરવામાં આવી રહી છે.
ટંકારાના ચીફ ઓફિસર દ્વારા વિસ્તાર મુજબ સફાઈના કર્મચારીઓ સહિત અલગ અલગ ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ દ્વારા રોડ રસ્તાઓ પર ફેલાયેલા ગંદકીના પડ દૂર કરી રસ્તાને ચોખ્ખા કરવામાં આવી રહ્યા છે.
ઉપરાંત આરોગ્યની ટીમ દ્વારા રસ્તા પર દવા છંટકાવ તેમજ ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. ટીમ દ્વારા વધુ અસરગ્રસ્ત વિસ્તારોને પ્રાથમિકતા આપી કામગીરી કરવામાં આવી રહી છે. શક્ય તેટલી ઝડપે તમામ વિસ્તારોમાં સાફ-સફાઈ સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે.