ટંકારામાં વેપારી પાસે ખંડણી માંગવા અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગણતરીની કલાકોમા જ ત્રણ શખ્સોની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. ખંડણી-હત્યા પ્રકરણમાં સંડોવાયેલ આરોપી હર્ષિત ઢેઢી, પ્રિન્સ અઘારા, યોગેશ પાવરા સુધી પહોંચવામાં સ્થાનિક પોલીસને સફળતા સાંપડી છે.જે તમામ શખ્સોની પૂછપરછ દરમિયાન આરોપી હર્ષિત અવારનવાર પાન બીડીના વેપારી અને સરિતા ટ્રેંડર્સ નામની દુકાન ધરાવતા સવજીભાઈ કકાસણીયા (ઉ,૬૪) ને ત્યાં માલસામાન લેવા જતો હતો જેથી વેપારી પાસે પુષ્કળ રૂપિયા હોવાનું આ આરોપી જાણતો હતો અને મોટી રકમથી પોતાનું મન લલચાયું હતું.ત્યારબાદ આ રકમ હડપ કરી જવાના ઇરાદે ત્રણેય શખ્સોએ રેકી કરી વૃદ્ધ સવજીભાઈ કકાસણીયા (ઉ.વ.૬૪)ની દુકાન સુધી પહોંચી ગયા હતા. આ દરમિયાન દુકાને એકલા રહેલ સવજીભાઈ કકાસણીયાને ધમકી આપી બંદુક વડે ભડાકે દઈ વૃદ્ધને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
ત્યાર બાદ સવજીભાઈના પુત્ર અરવિંદભાઈ સવજીભાઈ ને આરોપીઓ દ્વારા અલગ અલગ એપ્લિકેશન મારફતે ફોન કરી ને ખંડણી માંગવામાં આવતી હતી અને જે તેઓ પણ ખંડણી નહિ આપે તો અરવિંદભાઈ ના પુત્ર જય ને પણ સવજીભાઈ ની જેમ મારી નાખવાની ધમકી આપતા હતા.જે ફરિયાદ નોધાતા ટંકારા પોલીસે ત્રણેયને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
પરિવારે પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર જ કરી દીધા અગ્નીસંસ્કાર:આરોપીઓની કબુલાતથી હત્યા થયાનું ખુલ્યું
ઉલ્લેખનીય છે કે મૃતક સવજીભાઈનું મોત હાર્ટ એટેક આવતા પડી જવાથી થયું હોવાનું લાગ્યું હતું સવજીભાઈના માથામાં ઇજા થઈ હોવાથી લોહી વહી રહ્યું હતું જેથી તેમના પરિજનોએ પોસ્ટમોર્ટમ કરાવ્યું ન હતું. જેથી આ હત્યાને કુદરતી મોતમાં ખપાવાઈ હતી. હકીકતમાં આરોપીઓએ દેશી તમંચા વડે ફાયરિંગ કરી સવજીભાઈને માથામાં ગોળી મારી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે.