હળવદ : વડોદરામાં ભાજપના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના ગેરવર્તનનો મામલે હળવદના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોએ હળવદ મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવ્યુ હતું અને આ ધારાસભ્યો વિરૂદ્ધ પોલીસ અને ભારતીય જનતા પાર્ટી યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી હતી
ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ભાજપની શિસ્તના લીરા ઉડાડી દે તેવી લુખ્ખાગીરી મામલે હળવદ ના મીડિયાકર્મીઓ માં તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે વડોદરાના વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વધુ એક વખત જાહેરમાં મીડિયાકર્મીઓને માણસો પાસે ઠોકાવી દેવાની ખુલ્લેઆમ ધમકી આપીને પોતાની દબંગગીરી દાખવીને લુખ્ખાગીરી નો પરચો આપ્યો હતો આ ઘટનાના સૌરાષ્ટ્ર ઝાલાવાડ સહિત સમગ્ર રાજ્યમાં પત્રકાર આલમમાં તીવ્ર પ્રત્યાઘાતો પડયા છે.
ધમકીની ઘટનાને લઇને હળવદના ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકારો એ હળવદ મામલતદાર કચેરીએ ધસી જઇ લેખિત આવેદનપત્ર પાઠવીને કડક કાર્યવાહીની માંગ કરી છે.અવારનવાર જાહેર મેળાવડાઓ અને કાર્યક્રમોમાં ધમકીઓ આપીને લુખ્ખાગીરી ની છાપ ધરાવતા આવા બેખોફ બનેલા ધારાસભ્યને ભાજપ કેમ છાવરી રહ્યું છે તેવા પણ સવાલો ઉઠયા છે. વડોદરામા મીડિયાકર્મીઓને ખુલ્લેઆમ ધમકી આપવાના મામલે ભાજપ મોવડીમંડળ આવા ધારાસભ્ય સામે કડક એક્શન લઈને અન્ય નેતાઓ અને કાર્યકરોમાં શિસ્તની છાપ ઉભી કરવાની માંગ ઉઠી છે
આ તકે હળવદ પત્રકાર સંઘના પ્રમુખ બળદેવ ભરવાડ, ઉપપ્રમુખ પ્રશાંત જયસ્વાલ, મેહુલ ભરવાડ, મયુર રાવલ, કિશોર પરમાર,રમેશ ઠાકોર, જગદીશ પરમાર સહિતના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા