ગત તા.૧૯-૦૫-૨૦૨૩ના મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ તથા ધારાસભ્ય ઓની ઉપસ્થિતિમાં સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.
આ સંકલન બેઠકમાં ધારાસભ્ય ઓએ મોરબી જિલ્લાના ગામડામાં પીવાના પાણીની સમસ્યા દુર કરવા માટે અધિકારીઓને સ્પષ્ટ સુચનો કર્યા હતા. ઉપરાંત સનાળા રોડ પર ભરાઇ જતા વરસાદી પાણીના નિકાલ માટે પાઈપલાઈન મુકીને યોગ્ય વ્યવસ્થા કરવા તથા મોરબીના લાતી પ્લોટ સહિતના વિસ્તારોમાં ભૂગર્ભ ગટર તેમજ વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય કાર્યવાહી કરવા અધિકારી ઓને તાકીદ કરી હતી. વધુમા હાલ મોરબીના વિવિધ વિસ્તારમાં બંધ થયેલ પોસ્ટઓફિસ ફરી શરૂ કરવા પણ જણાવ્યું હતું. તમામ ધારાસભ્ય ઓએ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં રજૂ કરાતા વિકાસલક્ષી પ્રશ્નો અંગે અધિકારીઓને નક્કર કામગીરી કરવા તેમજ તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવા તાકીદ કરી હતી.
જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન હંસાબેન પારઘી દ્વારા અનુસુચિત જાતિના લોકોને પ્લોટ આપવા માટે રજુઆત કરાઈ હતી. વધુમાં આ બેઠકમાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ઘનશ્યામનગરમાં પ્રાથમિક શાળાના નવા મકાન બાબતે યોગ્ય કાર્યવાહી કરવા, જમીન માપણીના વિવિધ પ્રશ્નો, આરોગ્ય વિભાગના કર્મચારીઓના પગાર, જિલ્લાના વિવિધ માર્ગો પરના દબાણો હટાવવા તથા ભવિષ્યની લાંબા ગાળાની જરૂરિયાતોને ધ્યાનમાં લઈ મોરબીમાં નિર્માણાધિન એરપોર્ટના પ્લાનમાં જરૂરી તમામ ફેરફાર કરવા વગેરે જેવા વિવિધ પ્રશ્નોની રજૂ કર્યા હતા.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરિયા, મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, હળવદ-ધાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, વાંકાનેર-કુવાડવા ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સોમાણી, જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન હંસાબેન પારઘી, જિલ્લા પોલીસ અધિકારી રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એન.એસ. ગઢવી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, જિલ્લા પૂરવઠા અધિકારી ડી.સી. પરમાર, સી,ડી.એચ.ઓ. કવિતાબેન દવે, મામલતદાર ઓ અને તાલુકા વિકાસ અધિકારી ઓ તથા જિલ્લાના વિવિધ વિભાગના અધિકારી કર્મચારી ઓ ઉપસ્થિત રહ્યા હતા