મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક આજે બપોરે 12 કલાકે જિલ્લા પંચાયત મોરબીના સભાખંડમાં યોજાઈ હતી. જેમાં સાડા ચૌદ કરોડના વિકાસ કામોને મંજૂરીની મહોર લગાવવામા આવી હતી. જેમાં બેઠક વ્યવસ્થાને લઈને વિપક્ષ ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો.
મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પ્રમુખ માટે ગાડી ખરીદવા ઉપરાંત એલ.ઈ.કોલેજ રોડ ઉપર પ્રમુખ માટે બંગલો બનાવવા દરખાસ્ત રજુ કરી 25 લાખ રૂપિયાની પ્રમુખે દરખાસ્ત રજૂ કરી હતી. ઉપરાંત 15માં નાણાપંચના આયોજન અન્વયે જે જે કામો એક સરખા હોય તેવા કામોને વિભાજન કરી એક જ કોન્ટ્રાક્ટરનેફાળવવા પણ આશ્ચર્ય જનક દરખાસ્ત ઇન્ચાર્જ પ્રમુખે કરી હતી.
વધુમાં આજની સામાન્ય સભામાં જિલ્લા પંચાયતની જૈવ વિવિધતા સમિતિમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરાને સમિતિના પ્રમુખ બનાવી નારાજ સભ્યને બાકાત કરાયા છે.વધુમાં બેઠક વ્યવસ્થાને લઈને વિપક્ષ ઉમેદવારોએ પણ હોબાળો મચાવ્યો હતો. અને શાસક પક્ષ વિરુદ્ધ આકરી તડાપીટ બોલાવી હતી.
બીજી તરફ આ સામાન્ય સભામાં વાંકાનેરના જુનાઆરામગૃહની મરામત કરવા તથા મંજુર થયેલ માળીયા સબ સેન્ટરને મેઘપર ફાળવવું, નવી કચેરીની લિફ્ટનો 15 વર્ષ માટે કોન્ટ્રાકટ કરવા સહિત સામાન્ય સભા અંતર્ગત ગત બેઠકની કાર્યવાહી નોંધ, ગત 26 ઓગસ્ટ ના મળેલી બેઠકના ઠરાવોની અમલવારીને બહાલી આપવા અંગે ચર્ચા, જીલ્લા પંચાયત સમિતિઓની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા, 15મુ નાણાપંચનું જીલ્લા કક્ષાનું આયોજન મંજૂર કરવા, જિલ્લાના તલાટી કમ મંત્રીઓની હાજરી બાયોમેટ્રિકથી પૂરવા અંગે વ્યવસ્થા સહિતના મુદ્દાઓને સમાવેશ કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અગાઉની બેઠકની કાર્યવાહી મંજુર કરવી અને રેતી-કપચી તથા સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી વિકાસ કામો કરવાના એજન્ડા સિવાયના મુદા ઉડાવી દેવામાં આવ્યા હતા.