બંને પક્ષે છરી, ધોકા તથા ઢીકાપાટુનો રંગ જામ્યો, છોડાવવા આવેલ એક મહિલા સહિત પાંચ ઘાયલ
મોરબીના વાવડી રોડ ઉપર જનકનગર સોસાયટીમાં સામુ જોવા તથા ગાળો આપવા જેવી સામાન્ય બાબતે નવા આવેલ પાડોશી સાથે બોલાચાલી બાદ બંને પક્ષે છરીઓ કાઢી ઇજાઓ પહોંચાડી હતી, જે બાદ લાકડાના ધોકા તથા ઢીકાપાટુ મારી બંને પક્ષના સભ્યોને ઇજાઓ પહોંચી હતી, જેમાં પતિને માર મારતા વચ્ચે પડેલ પત્નીને પણ ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો, હાલ સીટી એ ડિવિઝન પોલીસમાં બંને પક્ષો તરફથી ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ આઠ આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબી વાવડી રોડ જનકનગર સોસાયટીમાં રહેતા ઈકબાલભાઈ કરીમભાઈ વડાવરીયા ઉવ.૨૮ એ પોલીસ મથકમાં આરોપી જુબેર ઉર્ફે બબુડો, અકરમ શામદાર, કિશન ઉર્ફે કે.કે.સિલ્વા, વિશાલ કોળી, સિકંદર મિયાણા એમ પાંચ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી કે ગઈકાલ તા.૧૩/૧૦ના રોજ બપોરે ફરિયાદી ઈકબાલભાઈ શેરીમાં જમણવાર હોય ત્યાં જમીને ઘરે આવતા હોય ત્યારે આરોપી જુબેર ઉર્ફે બબુડો અને આરોપી અકરમ શેરીના નાકે ઉભા હતા અને ઈકબાલભાઈ ત્યાંથી પસાર થયા જેથી આરોપી જુબેર ઉર્ફે બબુડો કહેવા લાગેલ કે ‘સામુ કેમ જોવે છે અમે આ શેરીમા રહેવા આવેલ હોય જેથી તુ આ શેરીમાંથી જતો રહેજે’ તેમ કહી બંને આરોપીઓ ઈકબાલભાઈને ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર મારેલ હોય આ દરમીયાન અન્ય આરોપીઓ લાકડાના ધોકા લઈને આવેલ અને ઈકબાલભાઈને લાકડાના ધોકા વડે શરીરે જેમફાવે તેમ મુંઢમાર મારી ઈજા કરેલ હોય તે દરમિયાન ઈકબાલભાઈના મિત્ર મુસ્તાક સોલંકી અને તેમના પત્ની હીનાબેન ઈકબાલભાઈ વડાવરીયા વધુ મારથી છોડાવવા વચ્ચે પડતા આરોપી જુબેર ઉર્ફે બબુડાએ પોતાની પાસે રહેલ છરી કાઢી મુસ્તાકને મારતા ડાબા હાથની આંગળીમાં ઈજા કરેલ તથા હીનાબેનને પણ જપાજપીમા ઇજાઓ પહોંચાડી હતી, ત્યારે સોસાયટીમાં દેકારો થતા વધુ માણસો એકઠા થતા તમામ આરોપીઓ સ્તગલ ઉપરથી નાસી ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે સામાપક્ષે વાવડી રોડ જનકનગર સોસાયટીમાં જ રહેતા જુબેર ઉર્ફે બબુડો મહેબૂબભાઈ માયક ઉવ.૨૫ એ આરોપી ઇકબાલ ઉર્ફે ઝીણી કરીમભાઈ વડાવરીયા, મુસ્તાક સોલંકી તથા ઈરફાન ઘાંચી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ફરિયાદી જુબેર ઉર્ફે બબુડો તથા તેનો મિત્ર અકરમ શામદાર બંને જતા હોય ત્યારે આરોપી ઇકબાલ ઉર્ફે ઝીણીએ જુબેર ઉર્ફે બબુડાને ભુંડી ગાળ આપતા ગાળો આપવાની ના પાડેલ જેથી આરોપી ઇકબાલ ઉર્ફે ઝીણી એકદમ ઉશ્કેરાઇ જઈ પોતાના પાસે રહેલ છરી કાઢી જુબેર ઉર્ફે બબુડાને મારવા જતા તેમણે છરી પકડી લીધી હતી જેથી જુબેરને હાથમા અંગુઠા પાસે ઇજા પહોંચી હતી. તે દરમિયાન અન્ય બંને આરોપી મુસ્તાક અને ઈરફાન ત્યાં આવી ફરિયાદી જુબેર તથા અકરમને જેમફાવે તેમ ઢીકાપાટુનો તેમજ લાકડાના ધોકા વડે મુંઢમાર મારવા લાગેલ હતા. આ સમયે જુબેર ઉર્ફે બાબુડાના મિત્રો આવી જઈ તેમને વધુ મારથી છોડાવ્યા હતા.
ઉપરોક્ત બનાવ બાદ બંને પક્ષના એક મહિલા સહિત પાંચ સભ્યો મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ગયા હોય ત્યારે બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. ત્યારે બંને પક્ષોની ફરિયાદ પરથી સીટી એ ડિવિઝન પોલીસે કુલ આઠ આરોપીઓ સામે ગુનો નોંધી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.