મોરબી તાલુકાના રાજપર ગામે એક યુવકની તેના જ ઘરમાંથી હત્યા કરાયેલ લાશ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે. પોલીસે હત્યાની તપાસ કરતા મોટો ઘટસ્ફોટ થયો છે. કામ ધંધો નહીં કરતા ભાઈને કારણે દસ વીઘા જમીન વેચવી પડતા મોટા ભાઈ જ છરી ધોકો લઈ નાના ભાઈ પર તૂટી પડયો હતો. જેના કારણે નાના ભાઈનું કમકમાટી ભર્યું મોટ નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા પ્રવીણભાઈ મોહનભાઈ અઘારા નામના યુવાનનો તેના જ ઘરમાંથી હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. અને આગળની તપાસ હાથ ધરી હતી. ત્યારે મૃતકના બહેન ભાવનાબેને જણાવ્યું હતું કે, મોટાભાઈ મહેશે ગઈકાલે મોડી રાત્રે પ્રવિણ સાથે તારે કઈ કામ ધંધો કરવો નથી અને ગામમાંથી ઉછીના પૈસા લઈ જલસા કરવા છે. તારા કારણે દસ વીઘા જમીન વેચવી પડી હોવાનું કહી ઝઘડો કર્યો હતો અને છરી ધોકો લઈ મહેશ પર તૂટી પડ્યો હતો. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. ત્યારે હત્યાના બનાવ અંગે હાલમાં મોરબી તાલુકા પોલીસે મૃતકના બહેનની ફરિયાદને આધારે સગા મોટાભાઈ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે









