કામધંધા મુદ્દે ઠપકો આપતા પિતાને પુત્રએ કુહાડીથી પગમાં ઘા મારી જીવ લઈ લીધો.
માળીયા(મી) તાલુકાના મોટા ભેલા ગામે હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે, જેમાં કામધંધા અંગે ઠપકો આપતા ૮૫ વર્ષીય પિતાની પુત્રે કુહાડીના ઘા મારી હત્યા કરી દીધી હતી. પરિવારજનો સામે જ થયેલી બોલાચાલી બાદ આરોપીએ ખાર રાખી કુહાડીથી હુમલો કર્યો હતો. જે બાદ ઇજાગ્રસ્ત વૃદ્ધને પ્રથમ મોરબી સિવિલ બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જતા રસ્તામાં જ તેમનું મોત નિપજતા સમગ્ર બનાવ હત્યામાં પરિણમ્યો હતો. હાલ માળીયા(મી) પોલીસે આરોપી પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
માળીયા (મી) તાલુકાના મોટા ભેલા ગામે પુત્ર દ્વારા પિતાની હત્યાના બનાવ અંગે મળતી માહિતી મુજબ, મોટા ભેલા ગામે રહેતા ૮૫ વર્ષીય જીવણભાઈ સોમાણી ગઈ તા.૦૭/૦૪ના રોજ પોતાના ઘરે પરિવાર સાથે બેઠા હતા ત્યારે તેમણે પોતાના પુત્ર પ્રવિણ ઉર્ફે પવાને રખડવાને બદલે કંઈક કામધંધો કરવા માટે ઠપકો આપ્યો હતો. આ મુદ્દે પિતા-પુત્ર વચ્ચે બોલાચાલી વધતા જેનો ખાર રાખી આરોપી પ્રવીણ ઉર્ફે પવો જીવણભાઈ સોમાણીએ એકદમ ઉશ્કેરાઈ કુહાડી વડે પોતાના પિતાના બન્ને પગના કાંડા પાસે ગંભીર ઘા ઝીંક્યા હતા. આ હુમલામાં વૃદ્ધ જીવણભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
બનાવ બાદ પરિવારજનો દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે જીવણભાઈને મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા, પરંતુ રાજકોટ લઈ જતાં રસ્તામાં જ શનાળા નજીક તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર ભરતભાઈ જીવણભાઈ સોમાણીની ફરિયાદના આધારે પોલીસ દ્વારા આરોપી પ્રવિણ ઉર્ફે પવો જીવણભાઈ સોમાણી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩(૧) તેમજ જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









