હળવદ માર્કેટીંગ યાર્ડના તત્કાલીન સેક્રેટરી, તત્કાલીન વાઇસ સેક્રેટરી તથા તત્કાલીન કલાર્કો મળી કુલ ૭ સત્તાધીશોએ ખોટા દસ્તાવેજ બનાવી પોતાની સત્તાનો ગેર ઉપયોગ કરી વેપારીઓ પાસેથી રૂ.૨૩ લાખથી વધુ પૈસા ઉઘરાવી યાર્ડમાં જમા નહી કરાવતા સુરેન્દ્રનગર એ.સી.બી. પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, હળવદ માર્કેટીંગ યાર્ડનાં તત્કાલીન સેક્રેટરી વિપુલભાઇ અરવિંદભાઇ એરવાડીયા, તત્કાલીન વાઇસ સેક્રેટરી અશોકભાઇ જયંતીભાઇ માતરીયા, કલાર્ક હિતેષભાઇ કાળુભાઇ પંચાસરા, કલાર્ક નિલેષભાઇ વિનોદભાઇ દવે, કલાર્ક પંકજભાઇ કાનજીભાઇ ગોપાણી, કલાર્ક ભાવેશભાઇ રમેશભાઇ દલસાણીયા તથા કલાર્ક અરવીંદભાઇ ભગવાનભાઇ રાઠોડે હળવદ માર્કેટીંગ યાર્ડમાં ગત તા.૧૩/૦૨/૨૦૧૫ થી તા.૨૬/૦૩/૨૦૧૫ સુધી જે તે વેપારીઓ પાસેથી માર્કેટીંગ યાર્ડનાં હેડીંગ અને સિકકા વગરની અને સીરીયલ નંબર વગરની કોરી પહોંચો મારફતે માર્કેટ-ફી (શેષ) ઉધરાવી ખોટા દસ્તાવેજ બનાવી પોતાની સત્તાનો તથા પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરૂપયોગ કરી પુર્વનિયોજીત ગુનાહિત કાવતરૂ રચી ગેરકાયદેસર રીતે રૂ.૨૩,૧૯,૭૫૪/- ની માર્કેટ ફી (શેષ) ઉઘરાવી ખેડુતોના હિતાર્થે યાર્ડમાં જમા નહી કરાવી પોતાના અંગત લાભ ખાતર ઉપયોગ કરી ગુનાહીત ગેરવર્તણુક આચરતા સમગ્ર મામલે સુરેન્દ્રનગર એ.સી.બી. પોલીસે ગુન્હો નોંધી તમામની આજે અટક કરી છે.