મોરબીમાં ગઈકાલે વધુ બે અકાળે મોતના બનાવો પોલીસ ચોપડે નોંધાયા હતા. જેમાં મોરબી જેલ ચોક પાસે પગપાળા જતા યુવકને ચક્કર આવતા પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેમજ માળીયા (મી.)નાં વર્ષામેડી ગામની સીમમા આવેલ કારખાનામાં ઇલેક્ટ્રિક કામ કરતી વેળાએ ઇલેક્ટ્રિક શોક લાગતા યુવકનું મોત નીપજ્યું હતું.
પ્રથમ બનાવમાં, મોરબીનાં કાલીકા પ્લોટ રામદેવપીરના મંદીર પાસે ભવાની સોડા વાળી શેરીમાં રહેતા જીતેન્દ્રભાઇ અશોકભાઇ મોરવાડીયા નામના યુવક ગત તા.૨૫/૦૪/૨૦૨૩ ના બપોરના સમયે મોરબી જેલ ચોક પાસે રસ્તામા ચાલીને જતા હતા. ત્યારે કોઇ કારણો સર ચાલતા ચાલતા ચકકર આવતા રસ્તા પર પડી જતા માથામા ડાબી બાજુ ઇજા થતા તેમને પ્રથમ સારવાર મોરબી સરકારી હોસ્પીટલમા લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત નાજુક જણાતા તેઓને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.
બીજા બનાવમાં, માળીયા મી.નાં વર્ષામેડી ગામની સીમમાં આવેલ મહારાજા સોલ્ટ વર્કસ નામના મીઠાના અગરમા રહેતા મૂળ યુ.પી.નાં આલીમભાઇ રાસીદભાઇ અંસારી નામના યુવક ગત તા.૨૫/૦૪/૨૦૨૩ ના રાત્રીનાના સમયે વર્ષામેડી ગામની સીમમા આવેલ મહારાજા સોલ્ટ વર્કસ પ્રા.લી. નામના મીઠાના અગર (કારખાના) મા ઇલેકટ્રીકનુ કામ કરી રહ્યા હતા. તે વખતે અક્સ્માતે ઇલેકટ્રીક શોક લાગતા તેમને તાત્કાલિક મોરબી સીવીલ હોસ્પીટલમા સારવારમા અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના મેડીકલ ઓફીસરે તેમને જોઇ તપાસી મરણ ગયેલની જાહેરાત કરતા સમગ્ર મામલે માળીયા મીં. પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.