મોરબી તાલુકાના વનાળીયા ગામે એક જ પરિવાર વચ્ચે ઘરની લાઇટ બંધ કરવા મુદ્દે થયેલા ઝઘડામાં પિતાએ પુત્ર અને પુત્રવધુ ઉપર લાકડી અને ધારિયા વડે ગંભીર હુમલો કરવામાં આવ્યો હતો. જે હુમલામાં મહિલાને માથામાં તથા ખભામાં ઈજા પહોંચી હતી. સમગ્ર બનાવ અંગે પુત્રવધુએ આરોપી સસરા સહિત બે વિરુદ્ધ તાલુકા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે.
મોરબી તાલુકાના વનાળીયા ગામે રહેતા ભાનુબેન રાજેશભાઇ અજાણાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમના સસરા ધારાભાઈ ઘેલાભાઇ અજાણાએ ઘરની લાઇટ બંધ કરી નાખી હતી. જેથી ભાનુબેનના પતિ રાજેશભાઇ તેમના ઘરે આવી આ બાબતે પૂછપરછ કરવા તેના પિતા ધારાભાઈ પાસે ગયા હતા ત્યારે આરોપી ધારાભાઈએ રાજેશભાઇ સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો અને લાકડી વડે તેના પર હુમલો કર્યો હતો. જે દરમિયાન ભાનુબેન તેમના પતિને બચાવવા વચ્ચે પડતાં આરોપી ધારાભાઈએ ઉશ્કેરાઈ જઈને ફળીયામાં પડેલા ધારિયા વડે ભાનુબેનને માથાના ભાગે, ડાબા ખભામાં અને હાથમાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ દરમિયાન આરોપી મનીષાબેન વિરાજભાઇ ખાંભલાએ ગંદી ગાળીઓ આપી બંનેએ મળીને ગુનો કરવામાં મદદગારી કરી હતી. હાલ પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ બીએનએસ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.