હળવદ તાલુકાના વેગડવાવ ગામ ખાતે એક મહિના પહેલા થયેલા ઝઘડાનું મનદુઃખ રાખી આરોપીએ પ્રથમ પિતા સાથે ઝપાઝપી કરી પથ્થરનો છૂટો ઘા માર્યો હતો, જે બાબતે પિતા-પુત્ર બાઇક ઉપર પોલીસ મથકે ફરિયાદ કરવા જઈ રહ્યા હોય ત્યારે બાઇકને આંતરી પિતા-પુત્રને ધોકા અને ધારીયાથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવમાં ભોગ બનનાર પિતા-પુત્રને વાસામાં અને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા રામજીભાઈ ચતુરભાઈ સુરેલા ઉવ.૫૫ એ હળવદ પોલીસ મથકમાં આરોપી વિષ્ણુભાઈ કેશાભાઈ પીપરીયા, જીવણભાઈ ભુદરભાઈ પીપરીયા, બાજુભાઈ કેશાભાઈ પીપરીયા તથા નિકુલભાઈ અભાભાઈ પીપરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા. ૦૮ ઓગસ્ટના રોજ સાંજે ફરિયાદી રામજીભાઈ ગામની ઘંટીએ દરણુ દરાવવા જતા હોય ત્યારે આરોપી વિષ્ણુભાઈએ રામજીભાઈ પાસે આવી કહેલ કે ‘તમે એક મહીના પહેલા અમારી સાથે કેમ ઝઘડો કરેલ’ તેમ કહી ગાળો દઈ ત્યા પડેલ પથ્થર લઈ પત્થરનો છુટો ઘા મારતા રામજીભાઇના મોઢા ઉપર મારી ઝપાઝપી કરવા લાગેલ અને ત્યારે આરોપી જીવણભાઈ ત્યાં આવી રામજીભાઈ સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ બનાવ બનેલ બાબતે પોલીસ ફરિયાદ અને સારવાર અર્થે રામજીભાઈ અને તેમનો દીકરો વિક્રમભાઈ બંને બાઇક ઉપર જતા હોય ત્યારે વેગડવાવ ગામના પુલ પાસે બાઇક ઉપર આવેલ આરોપી વિષ્ણુભાઈ, બાજુભાઈ અને નિકુલભાઈએ રામજીભાઈનું બાઇક આંતરી બંને પિતા-પુત્રને ધોકા, ધારીયા તથા ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તમામ આરોપીઓ સ્થળ ઉપરથી નાસી ગયા હતા. જે હુમલામાં રામજીભાઈને વાંસાના પાછળના ભાગે ફેકચરની ઈજા પહોંચી હતી તેમજ રામજીભાઇ પુત્ર વિક્રમભાઈને માથામાં ધારીયાના ઘા મારતા તેને માથામા ટાંકાઓ આવેલ હોવાની ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે ચારેય આરોપીઓ સામે વિધિવત ગુનો નીંધી આગળની તપાસ ચલાવી છે.