રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા ચેકીંગના આદેશ આપ્યા છે. ત્યારે મોરબીમાં આજે ખાસ ટીમો દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું. ત્યારે ફાયર NOC અને BU વગરની 9 હોસ્પિટલોને નોટિસ ફટકારી 2 દિવસમાં જવાબ રજૂ કરવા માટે જણાવી રિપોર્ટ સરકારમાં કરવામાં આવશે.
રાજકોટમાં બનેલ અગ્નિકાંડ બાદ રાજકોટ ઝોનની નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર સ્વનિલ ખરેના આદેશથી મોરબીમાં ચીફ ઓફિસરના અધ્યક્ષ સ્થાને કમિટીની રચના થઈ છે. જેમાં સભ્ય તરીકે ફાયર ઓફિસર, મ્યુનીસીપલ ઇજનેર, વીજ વિતરણ કંપનીના અધિકારી, મહેસુલી અધીકારી, સિટીના પોલીસ અધીકારી, સ્ટ્રકચરલ/ મીકેનીકલ એન્જીનીયર સામેલ કરવામાં આવ્યા છે. જે કમિટીની સૂચનાથી વિવિધ ટીમોએ મોરબીની 14 જેટલી હોસ્પિટલોમા ચેકીંગ હાથ ધરતા 9 હોસ્પિટલોમાં ફાયર NOC અને BU ન હોવાનું સામે આવ્યું છે. આ દરેક હોસ્પિટલમાં દર્દીઓ દાખલ હોવાથી હોસ્પિટલોને નોટિસ આપી 2 દિવસમાં જવાબ આપવાનો આદેશ અપાયો છે. જે જવાબ આપવા અહેવાલ સરકારમાં મોકલવામાં આવશે. બાદમાં સરકારની સૂચના મુજબ સ્થાનિક તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા હોસ્પિટલોમાં ૩૧મે સુધી, ટ્યુશન કલાસીસોમા ૧ જુનથી ૩ જૂન સુધી, મોલ અને શોપિંગ કોમ્પ્લેક્ષમાં ૪ જૂનથી ૬ જૂન સુધી, હાઇરાઈઝ બિલ્ડિંગોમાં ૭ જૂનથી ૯ જૂન સુધી, સિનેમા હોલોમાં ૧૦ જૂનથી ૧૧ જૂન સુધી, સ્કુલ -કોલેજોમાં ૧૨ જૂન થી ૧૪ જૂન સુધી, ધાર્મિક સ્થળોમાં ૧૫ જૂનથી ૧૬ જૂન સુધી પબ્લિક પ્લેસ જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય ત્યાં ૧૭ જુનથી ૧૮ જૂન સુધી ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.